11 ફૂડ કંપનીઓ પર કેસ: અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સામે વૈશ્વિક ચિંતા

અમેરિકામાં 18 વર્ષીય યુવકે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ બનાવતી 11 કંપનીઓ સામે મુકદ્દમો દાખલ કર્યો છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફ્રોઝન ફૂડના સ્વાસ્થ્ય પર થતા જોખમો અને આડઅસરો અંગે ભારે ચર્ચા જાગી છે. 

અમેરિકાના પેન્સિલવેનિયાના 18 વર્ષીય બ્રાઈસ માર્ટિનેઝે ક્રાફ્ટ હેઇન્ઝ, કોકા-કોલા, પેપ્સીકો અને નેસ્લે જેવી 11 દિગ્ગજ ફૂડ કંપનીઓ સામે કોર્ટમાં દાવો ઠોક્યો છે. બ્રાઈસે આક્ષેપ કર્યો છે કે નાનપણથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ અને પેક્ડ ખોરાક ખાવાને કારણે તેને માત્ર 16 વર્ષની ઉંમરે ટાઈપ-2 ડાયાબિટીસ અને ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓ થઈ ગઈ હતી. બાળપણમાં સીરિયલ, પિઝા, બર્ગર અને પેક્ડ રેડી-ટૂ-ઈટ આહાર તેના રોજિંદા જીવનનો હિસ્સો હતા. આ પ્રકારનો આ પહેલો પર્સનલ ઈન્જરી મુકદ્દમો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે.

ભારતમાં ફ્રોઝન ફૂડનો ઝડપથી વધતો વપરાશ
અમેરિકાના આ કિસ્સા બાદ ભારતમાં પણ ફ્રોઝન અને રેડી-ટૂ-કુક ફૂડના વાપરવા અંગે ચિંતાઓ વધી રહી છે. ઝડપથી બદલાતી લાઈફસ્ટાઈલ, વર્કિંગ કપલ્સની વધતી સંખ્યા અને ક્વિક કોમર્સ એપ્સના કારણે મોમોઝ, નગેટ્સ, ફ્રેંચ ફ્રાઈઝ અને બર્ગર પૅટી જેવા ફ્રોઝન ઉત્પાદનો હવે ભારતીય રસોડાંનો કાયમી હિસ્સો બની રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ફ્રોઝન ફૂડનો કારોબાર 2025 થી 2035 દરમિયાન વાર્ષિક 14.5 ટકાના દરે વધવાની ધારણા છે.

ફ્રોઝન આહારની ગુણવત્તા અને નિષ્ણાતોનો મત
આરોગ્ય નિષ્ણાતોના મતે તમામ ફ્રોઝન ફૂડ હંમેશાં અસ્વાસ્થ્યપ્રદ નથી હોતા, કારણ કે તેને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ખાસ ટેકનોલોજીથી ફ્રીઝ કરવામાં આવે છે. જોકે, મુખ્ય જોખમ ત્યારે ઊભું થાય છે જ્યારે લોકો વધુ પડતા સોડિયમ, ખાંડ, ચરબી અને કેમિકલ પ્રોસેસિંગ વાળા ઉત્પાદનોનું રોજિંદુ સેવન કરવા લાગે છે. અનુકૂળતા અને સ્વાદના ચક્કરમાં તાજા ખોરાકના બદલે પેક્ડ આહાર પર નિર્ભરતા વધવી એ ચિંતાજનક બાબત છે.

સ્વાસ્થ્યની જાળવણી માટે જરૂરી સાવચેતીઓ
હેલ્થ એક્સપર્ટ્સ સલાહ આપે છે કે ફ્રોઝન કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ક્યારેક જ કરવો જોઈએ. પેકેટ પર આપેલી ન્યુટ્રિશન માહિતી, મીઠા અને ખાંડનું પ્રમાણ ચકાસવું અત્યંત જરૂરી છે. જો આવા પ્રોસેસ્ડ ઉત્પાદનો રોજિંદા ખોરાકનો મુખ્ય ભાગ બની જશે તો નાની ઉંમરે સ્થૂળતા, ડાયાબિટીસ અને લિવર સંબંધિત ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડી શકે છે. તેથી તાજો અને ઘરમાં બનેલો આહાર લેવો એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!