પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ ઓક્ટોબર ૨૦૨૬થી સબસિડીવાળા ઘરેલુ LPG ગેસ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન અનિવાર્ય બનશે, જ્યારે ન કરનાર ગ્રાહકોને માર્કેટ રેટ પર સિલિન્ડર મળશે.

દેશના ઘરેલુ એલપીજી (LPG) ગ્રાહકો માટે આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૬થી એક મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા અનુસાર, હવે સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ મેળવવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૨૭.૪૩ કરોડ ગ્રાહકોએ (૮૯.૯ ટકા) આ પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ કરી લીધી છે અને તેમને હવે ફરીથી કશું કરવાની જરૂર નથી.
નિયમ કડક પાછળનો હેતુ અને ફાયદા
-
પાત્ર ગ્રાહકો સુધી લાભ: સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સબસિડીનો સાચો લાભ માત્ર વાસ્તવિક અને પાત્ર પરિવારો સુધી જ પહોંચાડવાનો છે.
-
ગેરરીતિઓ અટકાવવી: આ પ્રક્રિયાથી ડુપ્લિકેટ કે અપાત્ર કનેક્શન્સની ઓળખ કરવામાં તેમજ ઘરેલુ LPG સિલિન્ડરના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ માટે થતા ગેરકાયદેસર ડાયવર્ઝનને અટકાવવામાં મોટી મદદ મળશે.
બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કેવી રીતે કરાવી શકાશે?
જે ગ્રાહકોએ ઓથેન્ટિકેશન નથી કરાવ્યું તેઓ નીચે મુજબની પદ્ધતિઓ દ્વારા તે પૂર્ણ કરી શકે છે:
-
ઘર બેઠા ડિજિટલ માધ્યમથી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ની મોબાઈલ એપ દ્વારા જાતે જ આ પ્રક્રિયા થઈ શકે છે:
-
ઇન્ડેન (Indane) ગ્રાહકો: IndianOil ONE એપ
-
ભારત ગેસ (Bharat Gas) ગ્રાહકો: HelloBPCL એપ
-
એચપી ગેસ (HP Gas) ગ્રાહકો: HP PAY એપ
-
-
વિતરક પાસે જઈને: ગ્રાહકો પોતાના સંબંધિત LPG વિતરક (ડિલિવરી ડીલર) પાસે જઈને પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકે છે.
-
ડિલિવરી કર્મચારી દ્વારા: સિલિન્ડર ડિલિવરી સમયે કર્મચારી OMCની મોબાઈલ એપ દ્વારા સ્થળ પર જ ઓથેન્ટિકેશન કરી શકે છે. PMUY પોર્ટલ પર self e-KYC માટેના વિડિયો ટ્યુટોરિયલ્સ પણ ઉપલબ્ધ છે.










