ભાવનગરના કુંભારવાડામાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 9 સભ્યો દાઝ્યા, 4 બાળકોનો સમાવેશ

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલો તોડતી વખતે અચાનક ધડાકો થયો હતો.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલો તોડતી વખતે અચાનક ધડાકો થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળતાં એક જ પરિવારના ચાર બાળકો સહિત કુલ 9 સભ્યો દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્પ્રેની બોટલ તોડતી વખતે થયો બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલી પાસે ભંગારની સ્પ્રે બોટલો તોડવાની કામગીરી ચાલી રહી હતી. બોટલમાંથી લોખંડના બૂચ કાઢવા માટે હથોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ દરમિયાન એક બોટલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આસપાસ હાજર લોકો પણ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ચાર બાળકો સહિત એક જ પરિવારના 9 લોકો દાઝ્યા

આ દુર્ઘટનામાં એક જ પરિવારના કુલ 9 સભ્યો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. તેમાં ચાર બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અહેવાલમાં જણાવાયેલા ઇજાગ્રસ્તોનાં નામ આ મુજબ છે:

  • દલપતભાઈ લાલજીભાઈ
  • કંચનબેન દિલીપભાઈ
  • દિલીપભાઈ લાલજીભાઈ ચીભડીયા
  • કાનાભાઈ દલપતભાઈ ચીભડીયા
  • નિહાર દલપતભાઈ ચીભડીયા
  • નંદનીબેન કિશનભાઈ
  • રોહિતભાઈ કિશનભાઈ
  • સોહિલભાઈ મેરિયા
  • કમુબેન સોહિલભાઈ મેરિયા

બ્લાસ્ટનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્પ્રેની બોટલો તોડવાની કામગીરી દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો. ત્યારબાદ આગ ફેલાઈ હતી અને બોટલોના ટુકડા પણ ઊડવા લાગ્યા હતા.

સ્થાનિક લોકોએ પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગની લપેટમાં આવેલા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પહોંચી

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, કંટ્રોલ રૂમમાં બપોરે 4:44 વાગ્યે આગ અંગેનો કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.હાલ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!