દેવભૂમિ દ્વારકાના જગત મંદિર દ્વારકાધીશમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે મંદિર પરિસરમાં મનફાવે તેમ ફોટા પાડવા કે વીડિયો ઉતારવા પર નિયંત્રણ રહેશે.

દેવભૂમિ દ્વારકાના જગત મંદિર દ્વારકાધીશમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે મંદિર પરિસરમાં મનફાવે તેમ ફોટા પાડવા કે વીડિયો ઉતારવા પર નિયંત્રણ રહેશે. આ માટે મંદિર વ્યવસ્થાપક સમિતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ કરીને ભોગ-મનોરથ અને ધ્વજાજીના ઉત્સવની તસવીરો લેવા માટે ₹2,500ની ફી નક્કી કરવામાં આવી છે.
મંદિરના અધિકૃત ફોટોગ્રાફર પાસેથી જ ફોટોગ્રાફી
નવા નિયમો મુજબ, કોઈપણ વ્યક્તિ પોતાની રીતે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકશે નહીં. આ કામગીરી માત્ર મંદિર સંસ્થા દ્વારા નિયુક્ત અધિકૃત ફોટોગ્રાફર મારફતે જ કરાવી શકાશે.
ભોગ-મનોરથ અને ધ્વજાજીના ઉત્સવ દરમિયાન ફોટો કે વીડિયો ઉતરાવવા ઇચ્છતા ભક્તોએ ₹2,500 ચૂકવવા પડશે. આ માટે અગાઉથી મંદિર પ્રશાસનની મંજૂરી મેળવવી પડશે.
VIP કલ્ચર અને વાયરલ વીડિયો બાદ નિર્ણય
થોડા સમય પહેલાં દ્વારકાધીશ મંદિર પરિસય સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને કથાકાર મોરારીબાપુ સાથે સંબંધિત ધ્વજારોહણના દૃશ્યોને લઈને ચર્ચા થઈ હતી.
આ વીડિયો બાદ સામાન્ય ભક્તો માટેના નિયમો અને વિશેષ મહેમાનોને મળતી છૂટછાટ અંગે સવાલો ઊભા થયા હતા. મંદિર પરિસરમાં કોણ ફોટોગ્રાફી કરી શકે અને કઈ રીતે કરી શકે તે અંગે સ્પષ્ટ વ્યવસ્થાની માંગ પણ ઊઠી હતી.
27 ઓક્ટોબરની બેઠકમાં ઠરાવ
મળતી માહિતી મુજબ, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની 27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી બેઠકમાં આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી, નિર્ધારિત ફી અને અધિકૃત ફોટોગ્રાફરની વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.
આ નિયમોનો હેતુ મંદિરની ધાર્મિક પરંપરા, પવિત્રતા અને દર્શન વ્યવસ્થા જાળવવાનો છે. સાથે જ મંદિર પરિસરમાં અનધિકૃત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી અટકાવવાનો પણ પ્રયાસ છે.










