સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ કાર્યાલય સહિતના મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યા શખ્સે મેઈલ કરીને સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ (કમલમ/ખાનપુર), તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાની ધમકી આપી છે. આ તમામ જગ્યાએ અગાઉથી જ બોમ્બ લગાવી દેવાયા હોવાનો દાવો કરવામાં આવતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ છે અને તમામ સંવેદનશીલ સ્થળો પર સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મેઈલની વિગતો અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી
-
ધમકીભર્યો સંદેશ: સૂત્રોના જણાવ્યા મુજબ, ‘અસલામુ વાલેકુમ અને અલ્લાહુ અકબર’ લખીને મોકલવામાં આવેલા આ મેઈલમાં દેશ વિરોધી સૂત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
-
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસ: મામલાની ગંભીરતાને જોતા ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જોકે હાલ ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
-
અન્ય સ્થળો પર તપાસ ચાલુ: સોમનાથ મંદિર અને અન્ય સંવેદનશીલ સ્થળો પર પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આવા ફાઝ અને ધમકીભર્યા મેઈલ આવ્યા હોવા છતાં, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કોઈ જોખમ લેવા માગતી નથી.











