સાવલીના પોઈચા ચોકડી નજીક રોંગ સાઈડથી આવેલા પૂરપાટ ઝડપના ડમ્પરે મોપેડ સવાર દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ વિજયભાઈ રાઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ ફેલાતા થોડા સમય માટે ચક્કાજામ સર્જાયો હતો.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ચોકડી નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આણંદથી જાંબુઘોડા તરફ મોપેડ પર જઈ રહેલા દંપતીને રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
રોંગ સાઈડથી આવેલા ડમ્પરે મોપેડને અડફેટે લીધું
મળતી માહિતી મુજબ, આણંદના વતની વિજયભાઈ લલ્લુભાઈ રાઠવા અને તેમના પત્ની મોપેડ પર સવાર થઈને જાંબુઘોડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પોઈચા ચોકડી પાસે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પરના ચાલકે તેમના મોપેડને અડફેટે લીધું હતું.
ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ પર સવાર મહિલા રોડ પર પટકાયા હતા. ત્યારબાદ ડમ્પરનું ટાયર તેમના પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અકસ્મતમાં વિજયભાઈ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ રસ્તા પર ચક્કાજામ
અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના આક્ષેપને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને થોડા સમય માટે રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
ચક્કાજામને કારણે માર્ગ પર વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.











