એક પણ બોલ રમાયા વિના પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ એશિયા કપનું ચેમ્પિયન, ભારતે ટ્રોફી સેરેમનીનો બહિષ્કાર કર્યો

બાંગ્લાદેશના ઢાકામાં રમાઈ રહેલા પુરુષ બ્લાઈન્ડ ક્રિકેટ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ વિવાદમાં સપડાઈ છે.

બાંગ્લાદેશના ઢાકામાં રમાઈ રહેલા પુરુષ બ્લાઈન્ડ ક્રિકેટ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ વિવાદમાં સપડાઈ છે. સતત વરસાદને કારણે ફાઈનલ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. આખરે મેચ રદ થતાં પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી નારાજ ભારતીય ટીમે ટ્રોફી વિતરણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

વરસાદે ફાઈનલ મેચ પર ફેરવ્યું પાણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે 20 નવેમ્બરે ખિતાબી મુકાબલો રમાવાનો હતો. જોકે, ઢાકામાં સતત વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી નહોતી. એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી.

ત્યારબાદ મેચ રેફરીએ લીગ તબક્કાના સારા નેટ રન રેટના આધારે પાકિસ્તાનને વિજેતા જાહેર કર્યું હતું. ભારતને રનર-અપ જાહેર કરવામાં આવ્યું હતું.

ભારતે સંયુક્ત વિજેતા જાહેર કરવાની માંગ કરી

પાકિસ્તાનને એકમાત્ર ચેમ્પિયન જાહેર કરવાના નિર્ણય સામે ભારતીય ટીમે વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય ખેલાડીઓનું કહેવું હતું કે ફાઈનલ વરસાદને કારણે રમાઈ જ ન હોય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવી જોઈએ.

ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઇન ઇન્ડિયા (CABI)એ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. સંગઠને ટૂર્નામેન્ટના ટેક્નિકલ નિયમોની કલમ 27નો હવાલો આપીને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાની માંગ કરી છે.

ટ્રોફી સમારોહનો બહિષ્કાર

ભારતીય ટીમે વિરોધ નોંધાવવા માટે ટ્રોફી વિતરણ સમારોહમાં હાજરી આપી નહોતી. CABIના જણાવ્યા અનુસાર, વર્લ્ડ બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલની ટેક્નિકલ કમિટીએ શરૂઆતમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાની વાત સ્વીકારી હતી. જોકે, અંતિમ નિર્ણયમાં પાકિસ્તાનને જ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હોવાનો સંગઠનનો આક્ષેપ છે.

આ વિવાદને પગલે ભારતીય ટીમે ભવિષ્યમાં પાકિસ્તાન સામે રમવા અંગેનો નિર્ણય CABI પર છોડ્યો છે. સંગઠનની મંજૂરી મળશે તો જ આગામી મેચોમાં ભાગ લેવાની વાત ભારતીય ખેલાડીઓએ જણાવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!