ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરને મળશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’, 174 મુસાફરોના બચાવ્યા હતા જીવ

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતીમૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરશે. હુમલા દરમિયાન પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે હિંમત અને સાહસ દાખવ્યું હતું.

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 170થી વધુ મુસાફરોના જીવ બચાવનારા ગુજરાતીમૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરશે. પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે હિંમતથી વિમાનમાં સવાર મુસાફરોના જીવ બચાવ્યા હતા.

તેમની બહાદુરીના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વખાણ કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર એવોર્ડની જાહેરાત કરતાં લખ્યું: “ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.”

તેમણે ઉમેર્યું કે, “મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને ગર્વ છે. તેમના અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરશે.”

મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે અને દેશવાસીઓની સંવેદના તથા પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!