દિલ્હી પોલીસે જંતર-મંતર પર CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનની પરવાનગી નકારી છે અને નવી દિલ્હીમાં CAPF તૈનાત કરી સુરક્ષા વધારી છે.

દિલ્હી પોલીસે ગુરુવારે ગાંધી જયંતિ પર જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો. સાથે જ નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોટી ભીડ એકઠી થવાની ધારણાએ જંતર-મંતર પર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના જવાનો તૈનાત કરાયા છે.
3,000થી 4,000 લોકોનો અંદાજ
પોલીસ સૂત્રોના અંદાજ મુજબ આશરે 3,000થી 4,000 લોકો વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી શકે છે. સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. દિલ્હીના સંસદ અને જંતર-મંતર વિસ્તારોમાં કલમ 163 અમલમાં છે, જેના કારણે પાંચ કે તેથી વધુ લોકોનો કોઈપણ મેળાવડો ગેરકાયદેસર છે. મતદાર યાદીઓમાં અનિયમિતતાના આરોપો પર CEC કુમાર સામે મહાભિયોગની માંગ કરવા આ પ્રદર્શનનું આહ્વાન કરાયું છે.
કોણ જોડાય તેવી અપેક્ષા?
સૂત્રો મુજબ આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો, ભારતીય યુવા કોંગ્રેસ (IYC)ના સભ્યો અને અન્ય લોકો જોડાય તેવી અપેક્ષા છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી અપેક્ષા નથી. જંતર-મંતર અને નવી દિલ્હી જિલ્લાના મુખ્ય સ્થળોએ દિલ્હી પોલીસની ટીમો સાથે CAPFના કર્મચારીઓ તૈનાત છે.










