‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ ગુજરાત સરકારે કે. રાજેશ અને ગૌરવ દહિયા એમ બે IAS અધિકારીઓને એક જ દિવસે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

ગુજરાત સરકારે વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરેલા ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં બે ઉચ્ચ IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે લીધેલા આ કડક નિર્ણય હેઠળ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાને નિવૃત્તિની વયમર્યાદા પહેલાં જ સેવામાંથી મુક્ત કરાયા છે. વહીવટી સુધારણાના ભાગરૂપે લેવાયેલા આ પગલાથી અધિકારી વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
કે. રાજેશ સામે ગંભીર આરોપો
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને 2011 બેચના IAS અધિકારી કે. રાજેશ સામે લાંબા સમયથી ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગના આરોપો ચાલી રહ્યા હતા. CBIની ચાર્જશીટ મુજબ, તેમણે કાર્યકાળ દરમિયાન અયોગ્ય વ્યક્તિઓને હથિયાર લાયસન્સ આપવા, સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણી કરવા અને દબાણો નિયમિત કરવા બદલ લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા હતા.
જુલાઈ 2022માં CBIએ તેમની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ સસ્પેન્ડ હતા. તેમની સામે ED દ્વારા PMLA હેઠળ પણ તપાસ ચાલી રહી હતી.










