ફ્લાયદુબઈ ફ્લાઇટ હુમલો: પાઇલટ સ્મિત માછર પર હુમલાના આરોપી સહ-પાઇલટની ઓળખનો દાવો, તપાસ ચાલુ

સ્મિત માછર પર હુમલાનો આરોપી સહ-પાઇલટ ઓમાની નાગરિક છે; યુએઈમાં તેની પૂછપરછ ચાલે છે અને દાવાઓની પુષ્ટિ બાકી છે.

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં પાઇલટ સ્મિત માછર પર હુમલો કરનાર સહ-પાઇલટની ઓળખ જાહેર થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલ અરેબિયા ઇંગ્લિશ અને CNNના અહેવાલો મુજબ, આરોપી સહ-પાઇલટ હમામ અલ-હમામી નામનો ઓમાની નાગરિક છે, જે અગાઉ ઓમાનની રાષ્ટ્રીય એરલાઇન ઓમાન એર માટે કામ કરતો હતો.

અગાઉ ઓમાનમાં ઉડાન પર પ્રતિબંધનો દાવો
અલ અરેબિયા ઇંગ્લિશે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે અલ-હમામી પર અગાઉ ઓમાનમાં ઉડાન ભરવા પર પ્રતિબંધ મુકાયો હતો. અહેવાલ મુજબ આ નિર્ણય તેના કટ્ટરપંથી વિચારોને કારણે લેવાયો હતો, અને તે સીરિયામાં રહેતો હતો ત્યારે આવા વિચારોથી પ્રભાવિત થયો હોવાનું કહેવાય છે. પ્રતિબંધ પછી તે ઓમાન છોડી યુએઈ ગયો અને બાદમાં ફ્લાયદુબઈમાં નોકરી મેળવવામાં સફળ રહ્યો. અહેવાલ મુજબ તેનો જન્મ યુએઈમાં થયો હતો અને તેણે મોટાભાગનું જીવન ત્યાં વિતાવ્યું છે.

બેકગ્રાઉન્ડ ચેક પર સવાલ
અહેવાલોમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ફ્લાયદુબઈ તેને નોકરી પર રાખતા પહેલાં તેની પૃષ્ઠભૂમિ તપાસવામાં નિષ્ફળ ગઈ હોવાનું કહેવાય છે. એરલાઇન તરફથી આ અંગે સ્પષ્ટતા મળી નથી.

ઇઝરાયલમાં ક્રેશ કરવાનો ઇરાદો?
સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સહ-પાઇલટે તપાસકર્તાઓને કહ્યું હતું કે તેનો ઇઝરાયલમાં પ્લેન ક્રેશ કરવાનો ઇરાદો હતો. અહેવાલ મુજબ, સફળ થયો હોત તો આ ઘટના 9/11 જેવી બની શકી હોત. આરોપીને યુએઈ મોકલવામાં આવ્યો છે, જ્યાં તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. તેના કોઈ આતંકી નેટવર્ક સાથેના જોડાણો, સંભવિત હેતુઓ અને આંતરરાષ્ટ્રીય સંપર્કોની પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવાય છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!