ઇસનપુરમાં 21 વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની હત્યા, CCTVના આધારે પોલીસ તપાસ

અમદાવાદના ઇસનપુરમાં સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય જીગર સોલંકીની હત્યાની ઘટના સામે આવી છે. મૂળ ભાવનગરનો જીગર મિત્રો સાથે મળવા ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઇસનપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થીની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ભાવનગરનો અને ગોતાની સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતો જીગર સોલંકી શુક્રવારે મિત્રો સાથે મળવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

મિત્રો સાથે મળવા નીકળ્યો હતો જીગર

મળતી માહિતી મુજબ, જીગર સોલંકી અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના મામાના ઘરે રહેતો હતો અને સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે તે મિત્રો સાથે મળવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.

ત્યારબાદ અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગંભીર રીતે ઘવાયેલા જીગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બોથડ પદાર્થથી હુમલો કર્યાની આશંકા

પ્રાથમિક વિગતો અનુસાર, જીગર પર કોઈ બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. તેના શરીર પર ગંભીર ઇજાઓ મળી આવી હતી. મૃતદેહ ઘર નજીકથી મળ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.

હત્યાની ઘટનાથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. જોકે હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટતા થઈ નથી.

ઇસનપુર પોલીસે તપાસ શરૂ કરી

જીગરના મામાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. પોલીસ જૂની અદાવત સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!