અમદાવાદમાં રૂ. 25.65 કરોડના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા આરોપી કફીલ અહેમદે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં રૂ. 25.65 કરોડના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા આરોપી કફીલ અહેમદે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે આ ઘટના બની હતી. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં કફીલ અહેમદના પગમાં ગોળી વાગી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કસ્ટડીમાં રહેલા કફીલ અહેમદને રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસની નજર ચૂકવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી ભાગવા લાગતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડવા કાર્યવાહી કરી હતી. આ દરમિયાન PSI રાવલે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક ગોળી કફીલ અહેમદના પગમાં વાગી હતી. બીજી તરફ, આરોપીને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન PSI રાવલને હાથમાં સામાન્ય ઈજા પહોંચી હતી.
ઘટના બાદ ઈજાગ્રસ્ત કફીલ અહેમદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ CTM ટોલ પ્લાઝા નજીકથી ઝડપાયો હતો ડ્રગ્સનો જથ્થો
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર CTM ટોલ પ્લાઝા નજીકથી આશરે રૂ. 25.65 કરોડની કિંમતનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે 4.53 કિલો હેરોઈન અને 2.49 કિલો મેફેડ્રોન કબજે કર્યું હતું. ત્યારબાદ કફીલ અહેમદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસની ઘટનાને પગલે કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










