અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં દુર્ઘટના સર્જાઈ છે. વેલ્ડિંગની કામગીરી દરમિયાન મજૂર અને સુપરવાઈઝર સહિત ચાર લોકો પ્લાન્ટની અંદર ખાબક્યા હતા.

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં દુર્ઘટના સર્જાઈ છે. વેલ્ડિંગની કામગીરી દરમિયાન મજૂર અને સુપરવાઈઝર સહિત ચાર લોકો પ્લાન્ટની અંદર ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
સોલા STP પ્લાન્ટમાં ગેસ બનતાં દુર્ઘટના સર્જાઈ
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, HNB એજન્સીના ચાર કર્મચારીઓ સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ બનવાના કારણે એક કર્મચારી બેભાન થઈ ગયો હતો અને અંદર ખાબક્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ લોકો પણ પ્લાન્ટની અંદર પડ્યા હોવાની વિગતો સામે આવી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે બે લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. બાકીના બે કર્મચારીઓને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
ચાર કર્મચારીઓની ઓળખ સામે આવી
આ દુર્ઘટનામાં પ્લાન્ટની અંદર ખાબકેલા ચાર કર્મચારીઓની ઓળખ સાઈડ ઈન્ચાર્જ મનોજ, વેલ્ડિંગ વર્કર અભિષેક, સાઈડ PM રૂપેશ અને ગાડી ડ્રાઈવર નિલેશ તરીકે થઈ છે.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાકીના કર્મચારીઓને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનામાં ઈજાગ્રસ્તોની હાલત અને દુર્ઘટનાનાં ચોક્કસ કારણ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.










