CEC જ્ઞાનેશ કુમાર વિવાદ: ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, SIRના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનો દાવો

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની કામગીરી અને મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અંગે ચાલી રહેલા વિવાદમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની કામગીરી અને મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અંગે ચાલી રહેલા વિવાદમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે. પંચે એકપક્ષીય નિર્ણયો લેવાયા હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેના જણાવ્યા મુજબ, SIR સંબંધિત ત્રણેય મુખ્ય આદેશો ચૂંટણી પંચના તમામ સભ્યોની સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે કોર્ટમાં દલીલ કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરીને પડકારતી અરજીનો આધાર એક સમાચાર અહેવાલ પર છે. પંચે પોતાના વહીવટી નિર્ણયો, ફાઇલ પ્રક્રિયા અને મતદાર નોંધણી માટેના ફોર્મ-6 અંગે પણ સ્પષ્ટતા કરી છે.

27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આ મામલે 27 ઓક્ટોબર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ વિવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી અને SIR સંબંધિત નિર્ણયો લેવાની પ્રક્રિયા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

અરજદારોમાં સામાજિક કાર્યકર રાકેશ કુમાર સિંહ, વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી, રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓનો સમાવેશ થાય છે. અરજદારો દ્વારા ચૂંટણી પંચના આંતરિક રેકોર્ડ રજૂ કરવાની અને નિર્ણયો લેવાની પ્રક્રિયાની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. CECની કામગીરી પર પ્રતિબંધ મૂકવાની માગનો પણ વિવાદનો ભાગ છે.

SIRના ત્રણેય આદેશો સર્વસંમતિથી લેવાયા હોવાનો ચૂંટણી પંચનો દાવો

ચૂંટણી પંચે પોતાના પ્રતિ-સોગંદનામામાં જણાવ્યું છે કે જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026માં SIR સંબંધિત જે ત્રણ આદેશો બહાર પાડવામાં આવ્યા હતા, તે તમામ નિર્ણયોમાં પંચના ત્રણેય સભ્યોની સંમતિ હતી.

પંચના જણાવ્યા મુજબ, ફાઇલ પર કોઈ કમિશનર દ્વારા કરવામાં આવેલી નોંધ, પૂછવામાં આવેલા પ્રશ્નો અથવા સૂચનોને પંચનો અંતિમ નિર્ણય ગણી શકાય નહીં. ફાઇલની નિયમિત પ્રક્રિયામાં તે પહેલાં એક ચૂંટણી કમિશનર, ત્યારબાદ બીજા કમિશનર અને અંતે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે જાય છે.

તાત્કાલિક નિર્ણયની જરૂર હોય ત્યારે ઇલેક્ટ્રોનિક માધ્યમથી મંજૂરી લેવામાં આવે છે અને પછી તેને સત્તાવાર ફાઇલમાં નોંધવામાં આવે છે. આ રીતે પંચે પોતાના વહીવટી નિર્ણયોની પ્રક્રિયાનો બચાવ કર્યો છે.

ફોર્મ-6માં ફેરફાર અંગે ચૂંટણી પંચે શું કહ્યું?

મતદાર યાદીમાં નવું નામ નોંધાવવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6 અંગે પણ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. પંચના જણાવ્યા મુજબ, ફોર્મ-6માં સત્તાવાર રીતે કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. નિયમિત ફોર્મમાં ફેરફાર કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે.

જોકે, ઓનલાઈન અરજી દરમિયાન ફોર્મ-6 સાથે SIRનું ઘોષણા ફોર્મ દર્શાવાતું હોવાથી ફેરફાર થયો હોવાની ગેરસમજ ઊભી થઈ શકે છે, એવું પંચે સ્વીકાર્યું છે. આ ગેરસમજ દૂર કરવા માટે 21 ઓક્ટોબરથી ઓનલાઈન પ્રક્રિયામાં ફોર્મ-6 અને SIR ઘોષણા ફોર્મ અલગ દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

મતદાર યાદીમાં જૂના રેકોર્ડ ન મળતા હોય તો શું થશે?

ચૂંટણી પંચે એવા મતદારો અંગે પણ સ્પષ્ટતા કરી છે, જેમના જૂના મતદાર રેકોર્ડની વર્તમાન યાદી સાથે ઓનલાઈન લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.

પંચના જણાવ્યા મુજબ, આવા મતદારોને સામાન્ય રીતે સુનાવણી માટે સરકારી કચેરીમાં રૂબરૂ બોલાવવામાં આવશે નહીં. તેના બદલે, બૂથ લેવલ ઓફિસર (BLO) દસ્તાવેજો એકત્ર કરવા માટે તેમના ઘરે જશે. માત્ર અપવાદરૂપ પરિસ્થિતિમાં જ સુનાવણી યોજાશે અને શક્ય હોય ત્યાં તેને ઓનલાઈન રાખવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માગ અંગે પંચનો વાંધો

મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી દૂર કરવાની અથવા તેમની કામગીરી પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાની માગ સામે ચૂંટણી પંચે કાયદાકીય વાંધો ઉઠાવ્યો છે.

પંચે બંધારણની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા જેવી જ કડક છે. આથી, અરજદારોની માગ કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી, એવી દલીલ પંચે કરી છે.હાલ આ મામલે ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી અને કોર્ટ દ્વારા કરવામાં આવતી આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!