નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે મોટો હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો. સોલુખુમ્બુ જિલ્લાના ફેરિચે વિસ્તારમાં લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયાં હતાં

નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે મોટો હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો. સોલુખુમ્બુ જિલ્લાના ફેરિચે વિસ્તારમાં લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયાં હતાં. આ દુર્ઘટનામાં એક વિદેશી નાગરિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે.
લેન્ડિંગ દરમિયાન બંને હેલિકોપ્ટર અથડાયાં
પ્રાપ્ત માહિતી અનુસાર, એવરેસ્ટ ક્ષેત્રના ફેરિચે વિસ્તારમાં બે નાના હેલિકોપ્ટર લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન બંને વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બંને હેલિકોપ્ટર જમીન પર તૂટી પડ્યાં હતાં.
સોલુખુમ્બુ જિલ્લા પોલીસ અધિકારી નવીન રાજા બુધાથોકીએ AFPને જણાવ્યું હતું કે અકસ્માતમાં એક વિદેશી નાગરિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો હેલિકોપ્ટરના લેન્ડિંગની રાહ જોઈ રહ્યા હોવાનું જોવા મળે છે. આ દરમિયાન બે હેલિકોપ્ટર નજીક આવતાં અથડાયાં હતાં.
અકસ્મિક ટક્કર બાદ બંને હેલિકોપ્ટર તૂટી પડતાં આસપાસ હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. હાલ અકસ્માત અંગે વધુ વિગતો અને હેલિકોપ્ટરની ઓળખ સહિતની માહિતી સામે આવવાની બાકી છે.










