2027માં ગુજરાતમાં દોડશે બુલેટ ટ્રેન, સુરત-વાપી વચ્ચે પ્રથમ સેવા શરૂ કરવાની તૈયારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં સૌપ્રથમ સુરતથી વાપી વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે.

ગુજરાત માટે મોટા સમાચાર છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા વર્ષ 2027માં શરૂ થવાની તૈયારી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં સૌપ્રથમ સુરતથી વાપી વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે. ત્યારબાદ બાકીના રૂટ પર તબક્કાવાર સેવા શરૂ કરાશે.

સુરત-વાપી વચ્ચે પ્રથમ તબક્કાની સેવા

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, વર્ષ 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં સુરત-વાપી વચ્ચે પ્રથમ પેસેન્જર સેવા શરૂ કરવાનું લક્ષ્ય છે. સમગ્ર 508 કિલોમીટરના મુંબઈ-અમદાવાદ કોરિડોરને તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે.

આ રૂટ પર સ્વદેશી B28 ટ્રેનસેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેને 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરાયો છે. ટ્રેનના પ્રથમ બોડી ફ્રેમનું નિર્માણ પૂર્ણ થયું છે અને તેની સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહી છે. ટ્રેક ટ્રાયલ 2027ના મધ્ય સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

આઠ સ્ટેશનનું સિવિલ કામ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સપ્ટેમ્બર 2026 સુધીમાં 456 કિલોમીટર પિયરનું કામ અને 371 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂર્ણ થયું છે.

આ ઉપરાંત, 299 કિલોમીટરના વિસ્તારમાં આશરે છ લાખ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. 206 કિલોમીટરના વાયડક્ટ પર 9,300થી વધુ ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન મસ્ત ઊભા કરવામાં આવ્યા છે.

કોરિડોરનાં આઠ સ્ટેશનોનું સિવિલ બાંધકામ પૂર્ણ થયું છે. હાલમાં ત્યાં આર્કિટેક્ચરલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી, સુરત અને થાણે ખાતે ટ્રેનના ડેપોનું કામ પણ આગળ વધી રહ્યું છે.

સુરત-બિલિમોરા વિભાગમાં વીજળીકરણનું મોટું પગલું

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિલોમીટરના વિભાગમાં 20 નવેમ્બર 2026ના રોજ ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમને વીજળીથી સજ્જ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ વિભાગમાં અપ-ડાઉન બંને ટ્રેક માટે આધુનિક 2×25 kV વીજળીકરણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ કામગીરી પ્રોજેક્ટના પરીક્ષણ અને આગળની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ છે. જોકે, વીજળીકરણ પૂર્ણ થવું એટલે પેસેન્જર સેવા શરૂ થઈ ગઈ એવું નથી.

 

મુંબઈ સુધીનો સંપૂર્ણ રૂટ તબક્કાવાર ખુલશે

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં અનેક મહત્વનાં શહેરો જોડાશે.મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. તેમાં થાણે ક્રીકની નીચેથી પસાર થતો સાત કિલોમીટરનો અંડરસી ટનલ વિભાગ પણ સામેલ છે. આ જટિલ બાંધકામને કારણે મુંબઈ સુધીનો સંપૂર્ણ રૂટ તબક્કાવાર કાર્યરત થશે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!