અમદાવાદના જાહેર પરિવહનને આધુનિક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના જાહેર પરિવહનને આધુનિક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અંદાજે 800 મુખ્ય AMTS બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવવામાં આવશે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ સુવિધાથી મુસાફરોને બસના આગમનનો સમય, રૂટ અને અન્ય માહિતી ડિજિટલ માધ્યમથી મળી શકશે.
800 બસ સ્ટોપનું થશે આધુનિકીકરણ
શહેરના અનેક જૂના બસ સ્ટોપને નવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક અનુભવ આપવાનો છે. 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને 2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ આ આયોજન કરવામાં આવ્યું છે.
GPSથી જાણી શકાશે બસનું લોકેશન
સ્માર્ટ બસ સ્ટોપ પર GPS આધારિત રિયલ-ટાઇમ ETA ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવશે. તેના પર બસ કેટલા સમયમાં સ્ટોપ પર પહોંચશે તેની અંદાજિત માહિતી મળશે.
આ ઉપરાંત રૂટ મેપ, બસ સમયપત્રક, સેન્સર આધારિત LED લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ થશે. પસંદગીના બસ સ્ટોપ પર Wi-Fi અને મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટની સુવિધા પણ આપવાનું આયોજન છે.
મોબાઇલ એપથી ઘરે બેઠા બસની માહિતી
મુસાફરો માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાનું આયોજન છે. આ એપ દ્વારા ઘરે બેઠા બસનું લાઇવ લોકેશન અને બસ સ્ટોપ પર પહોંચવાનો અંદાજિત સમય જાણી શકાશે.
એપમાં બસ રિઝર્વેશનની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ છે. આથી મુસાફરોને બસ સ્ટોપ પર લાંબો સમય રાહ જોવાની જરૂર ઓછી પડશે.
AMTS, BRTS અને મેટ્રો માટે એક જ ટિકિટ
અમદાવાદના મુસાફરો માટે સૌથી મહત્વપૂર્ણ આયોજન સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ છે. હાલમાં AMTS, BRTS અને મેટ્રો માટે અલગ-અલગ ટિકિટ લેવી પડે છે.
નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ એક જ ટિકિટથી ત્રણેય પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકાય તેવી સિસ્ટમ વિકસાવવાનું આયોજન છે. તેનાથી એક પરિવહન માધ્યમમાંથી બીજા માધ્યમમાં મુસાફરી સરળ બનશે.
મહિલાઓ અને દિવ્યાંગો માટે ખાસ સુવિધા
સ્માર્ટ બસ સ્ટોપમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. તેના માટે રેમ્પ, ટેક્સ્ચર પેવિંગ અને વ્હીલચેર માટે અનુકૂળ જગ્યા બનાવાશે.
અમદાવાદની ગરમી અને ચોમાસાને ધ્યાનમાં રાખીને મજબૂત છત, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને હવામાન સામે ટકી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.
પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં પાયલટ પ્રોજેક્ટ
પ્રાયોગિક ધોરણે પશ્ચિમ અમદાવાદમાં સિંધુભવન રોડ, સીમા હોલ નજીક આનંદનગર, સી.જી. રોડ, શુકન મોલ અને ટીવી ટાવર સહિતનાં સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. પૂર્વ અમદાવાદમાં પણ ચાર સ્થળોએ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
આ પાયલટ પ્રોજેક્ટના અનુભવના આધારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ બસ સ્ટોપ વિકસાવવામાં આવશે.
BOT મોડલથી થશે પ્રોજેક્ટનું અમલીકરણ
આ સમગ્ર પ્રોજેક્ટ BOT એટલે કે Build, Operate and Transfer મોડલ હેઠળ અમલમાં મૂકવાનું આયોજન છે. તેમાં AMTSનું સીધું મૂડીરોકાણ નહીં થાય. કોન્ટ્રાક્ટરે બસ સ્ટોપનું નિર્માણ, સંચાલન, સફાઈ અને જાળવણી કરવાની રહેશે.
આ ઉપરાંત ફીડર બસો અને નવા રૂટ દ્વારા મેટ્રો સ્ટેશન, હોસ્પિટલ, બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ વધુ સરળ બનાવવાની યોજના પણ છે.










