ગુજરાત સરકાર રાજ્યભરમાં Web-GIS પોર્ટલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ પોર્ટલ શરૂ થયા બાદ નાગરિકોને જમીન અને પ્લોટ સંબંધિત ટાઉન પ્લાનિંગની મહત્વપૂર્ણ માહિતી ઓનલાઈન મળી શકશે.

ગુજરાત સરકાર રાજ્યભરમાં Web-GIS પોર્ટલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ પોર્ટલ શરૂ થયા બાદ નાગરિકોને જમીન અને પ્લોટ સંબંધિત ટાઉન પ્લાનિંગની મહત્વપૂર્ણ માહિતી ઓનલાઈન મળી શકશે.પોર્ટલ પર TP અને DP સ્કીમના નકશા એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. તેના કારણે પ્લોટ ખરીદતા પહેલાં જ તે કઈ TP સ્કીમમાં આવે છે અને કયા ઝોનમાં આવેલો છે તે જાણી શકાશે.એક જ પોર્ટલ પર મળશે TP અને DPના નકશા.હાલમાં રાજ્યમાં ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ પ્લાન સંબંધિત રેકોર્ડ અલગ-અલગ જગ્યાએ ઉપલબ્ધ છે. કેટલીક વિગતો જૂની ફાઇલો, CAD નકશા અને અલગ GIS સિસ્ટમમાં સંગ્રહિત છે.
આ તમામ માહિતીને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનું આયોજન છે. નાગરિકો વિસ્તાર, સ્કીમ અને સંબંધિત સત્તામંડળના આધારે મંજૂર નકશા શોધી શકશે. પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવાની પણ યોજના છે.
પ્લોટનો ઝોન અને નવા રસ્તાની માહિતી મળશે
નવા Web-GIS પોર્ટલથી કોઈ જમીન રહેણાક, કોમર્શિયલ કે અન્ય કયા ઝોનમાં આવે છે તેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત પ્લોટની આસપાસ કયા નવા રસ્તાનું આયોજન છે તે પણ નકશા પરથી જાણી શકાશે.
આ સુવિધા ખાસ કરીને જમીન અને મિલકત ખરીદનારા લોકો માટે ઉપયોગી બની શકે છે. ખરીદી પહેલાં વિસ્તારનું આયોજન અને TP સ્કીમની વિગતો જાણી શકવાથી નિર્ણય લેવામાં સરળતા રહેશે.
ત્રણ તબક્કામાં તૈયાર થશે પોર્ટલ
આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવાની યોજના છે.
- પ્રથમ તબક્કો: શરૂઆતના ત્રણ મહિનામાં પ્રાથમિક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. તેમાં રાજ્યનાં સંબંધિત સત્તામંડળોની યાદી અને તાલીમની કામગીરી થશે.
- બીજો તબક્કો: આગામી છ મહિનામાં પોર્ટલને પ્રાયોગિક ધોરણે શરૂ કરીને જરૂરી સુધારા કરવામાં આવશે.
- ત્રીજો તબક્કો: ત્યારબાદના ત્રણ મહિનામાં ટાઉન પ્લાનિંગના ડેટાનું પરીક્ષણ કરવાની યોજના છે.
સરકારી કચેરીઓના ધક્કા ઘટવાની શક્યતા
હાલમાં જમીન અને મિલકત સંબંધિત નકશા કે રેકોર્ડ મેળવવા માટે લોકોને સરકારી કચેરીઓનો સંપર્ક કરવો પડે છે. નવી વ્યવસ્થા શરૂ થયા બાદ ઘણી માહિતી ઘરેબેઠા મળી શકશે.
રાજ્યના ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેના માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે.
ખાસ નોંધ: Web-GIS પોર્ટલ હજુ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. તેથી હાલમાં નાગરિકો આ નવી સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. પોર્ટલ પર દેખાતો નકશો જમીનની માલિકી કે ઝોનિંગ અંગેના કાનૂની પ્રમાણપત્રનો વિકલ્પ પણ નથી.









