દ્વારકાના શિવરાજપુર બીચનો કાયાકલ્પ! ₹102 કરોડના પ્રોજેક્ટનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, હવે મળશે આ શાનદાર સુવિધાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 નવેમ્બરે શિવરાજપુર બીચ પર ₹102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલી પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ આપવાની દિશામાં દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે મોટું પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 નવેમ્બરે શિવરાજપુર બીચ પર ₹102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલી પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.

બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા આ બીચને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વિકસાવવામાં આવી રહ્યો છે. નવા પ્રોજેક્ટમાં સાયકલ ટ્રેક, સ્નોર્કલિંગ પ્લાઝા, પ્રોમોનેડ, એમ્ફીથિયેટર, રેસ્ટોરન્ટ અને બાળકો માટે પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

ફેઝ-1માં ₹23.43 કરોડના ખર્ચે આકર્ષક સુવિધાઓ

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ₹23.43 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

આ તબક્કામાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રોમોનેડ અને પાથ-વે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકર રૂમ, સાઇનેજ, પીવાનું પાણી અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પ્રવાસીઓની સુવિધા માટે ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, અંડરગ્રાઉન્ડ ટેન્ક અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરાઈ છે.

ફેઝ-2માં એમ્ફીથિયેટર અને રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ

બીજા તબક્કામાં ₹78.85 કરોડના ખર્ચે વધુ આકર્ષણો વિકસાવવામાં આવ્યાં છે. તેમાં ઇવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફીથિયેટર, ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન અને બોર્ડવોકનો સમાવેશ થાય છે.

બીચ પર પ્રવાસીઓની સુરક્ષા માટે લાઇફગાર્ડ ટાવર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ ડેક, બીચ લાઇટિંગ, શાવર રૂમ, કિયોસ્ક અને રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.

પરિવાર સાથે આવતા પ્રવાસીઓ માટે બાળકોનો પ્લે એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ હોર્ટિકલ્ચર, ઇરીગેશન, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગનાં કામો પણ કરવામાં આવ્યાં છે.

સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ગુજરાતમાં સર્વિસ સેક્ટરનું મહત્વ વધી રહ્યું છે. શિવરાજપુર બીચના વિકાસથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

પ્રવાસન પ્રવૃત્તિઓ વધવાથી હોટેલ, રેસ્ટોરન્ટ, પરિવહન અને અન્ય વ્યવસાયોને પણ લાભ મળી શકે છે. આ રીતે પ્રવાસન ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપશે.

લોકાર્પણ પહેલાં મુખ્યમંત્રીએ કર્યા દ્વારકાધીશના દર્શન

શિવરાજપુર બીચના પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યા હતા. તેમણે પૂજા-અર્ચના કરીને રાજ્યના વિકાસ, નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો મુળુભાઈ બેરા અને પબુભા માણેક સહિત અનેક મહાનુભાવો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિવરાજપુર બીચ પર નવી સુવિધાઓ શરૂ થવાથી ગુજરાતના દરિયાઈ પ્રવાસનને નવી ઓળખ મળવાની આશા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!