દેશના રાજકારણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના નવા સીમાંકન પ્રસ્તાવને પગલે લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની યોજના છે.

દેશના રાજકારણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના નવા સીમાંકન પ્રસ્તાવને પગલે લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની યોજના છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે 28 નવેમ્બરે સીમાંકન બાદ લોકસભાનું સંભવિત નવું રાજકીય ચિત્ર દર્શાવતો નકશો જાહેર કર્યો છે.
આ પ્રસ્તાવ મુજબ લોકસભાની બેઠકો હાલની 543થી વધીને 816 થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં પણ લોકસભાની બેઠકો 26થી વધીને 39 થવાની સંભાવના છે.
ગુજરાતમાં થશે 39 લોકસભા બેઠકો
જાહેર કરાયેલા પ્રસ્તાવિત નકશા પ્રમાણે ગુજરાતને હાલની 26 બેઠકોની જગ્યાએ 39 બેઠકો મળી શકે છે. એટલે કે રાજ્યમાં 13 બેઠકોનો વધારો થવાની શક્યતા છે.
આ ફેરફારથી ગુજરાતનું સંસદીય પ્રતિનિધિત્વ વધશે. જોકે, કયા વિસ્તારોમાં નવા લોકસભા મતવિસ્તારો બનશે અને તેમની સીમાઓ કેવી રીતે નક્કી થશે તે સીમાંકન પંચની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.
કયા રાજ્યમાં કેટલી બેઠકો થઈ શકે?
પ્રસ્તાવિત નકશા પ્રમાણે કેટલાક મોટા રાજ્યોની બેઠકોમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે.
| રાજ્ય | હાલની બેઠકો | પ્રસ્તાવિત બેઠકો |
|---|---|---|
| ઉત્તર પ્રદેશ | 80 | 120 |
| મહારાષ્ટ્ર | 48 | 72 |
| પશ્ચિમ બંગાળ | 42 | 63 |
| બિહાર | 40 | 60 |
| તમિલનાડુ | 39 | 59 |
| મધ્યપ્રદેશ | 29 | 43 |
| કર્ણાટક | 28 | 42 |
| ગુજરાત | 26 | 39 |
| આંધ્રપ્રદેશ | 25 | 38 |
| રાજસ્થાન | 25 | 38 |
| ઓડિશા | 21 | 31 |
| કેરળ | 20 | 30 |
| તેલંગાણા | 17 | 26 |
| આસામ | 14 | 21 |
| ઝારખંડ | 14 | 21 |
| પંજાબ | 13 | 20 |
| છત્તીસગઢ | 11 | 16 |
| હરિયાણા | 10 | 15 |
આ આંકડા કેન્દ્રીય મંત્રી દ્વારા જાહેર કરાયેલા પ્રસ્તાવિત નકશા પર આધારિત છે. અંતિમ બેઠકો અને મતવિસ્તારોની સીમાઓ કાયદાકીય પ્રક્રિયા બાદ નક્કી થશે.
2051 સુધી રાજ્યો વચ્ચે બેઠકોનો હિસ્સો યથાવત્ રાખવાની યોજના
કેન્દ્ર સરકારના પ્રસ્તાવમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકોમાં આશરે 50 ટકાનો વધારો કરવાની જોગવાઈ છે. આ રીતે રાજ્યો વચ્ચે બેઠકોનો હાલનો સાપેક્ષ હિસ્સો જાળવી રાખવાની યોજના છે.
પ્રસ્તાવ મુજબ રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણી 2051 સુધી સ્થિર રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યની અંદર મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવા માટે ઉપલબ્ધ નવીનતમ વસ્તીગણતરીના આંકડાનો ઉપયોગ કરવાની જોગવાઈ છે.
મહિલા અનામત સાથે જોડાયેલો છે સીમાંકનનો નિર્ણય
કેન્દ્ર સરકાર આ ફેરફારને લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાની પ્રક્રિયા સાથે જોડી રહી છે. નવા પ્રસ્તાવમાં લોકસભા અને વિધાનસભાની બેઠકો વધારીને મહિલા અનામતને અમલમાં મૂકવાનો માર્ગ તૈયાર કરવાનો હેતુ છે.
આ માટે કેન્દ્રના મંત્રીમંડળે બંધારણ (132મો સુધારો) બિલ, 2026 અને સીમાંકન સંબંધિત નવા બિલને મંજૂરી આપી છે. સંસદના વિશેષ સત્રમાં આ બિલો રજૂ થવાના છે.
હજુ સંસદની મંજૂરી જરૂરી
સીમાંકનનો પ્રસ્તાવિત નકશો જાહેર થયો હોવા છતાં બેઠકોમાં વધારો હજુ અંતિમ નથી. આ માટે સંસદમાં જરૂરી કાયદાકીય પ્રક્રિયા અને બંધારણીય સુધારાને મંજૂરી મળવી જરૂરી છે.
બંધારણીય સુધારા માટે બંને ગૃહોમાં વિશેષ બહુમતી જરૂરી રહેશે. ત્યારબાદ સીમાંકન પંચની રચના અને મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા આગળ વધશે.
આથી ગુજરાત સહિત દેશનાં તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોનું નવું ચિત્ર કાયદો પસાર થયા પછી જ અંતિમ બનશે.









