રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં 61 વર્ષીય વેપારી ભરતભાઈ નાનભા ડાભીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં 61 વર્ષીય વેપારી ભરતભાઈ નાનભા ડાભીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ તેમનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. આથી હત્યા લૂંટના ઇરાદે થઈ છે કે અન્ય કોઈ કારણસર તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
મોડી રાત સુધી દુકાન ખુલ્લી રહેતા પડોશીઓને શંકા ગઈ
ગોંડલના રામ મંદિર પાસે આવેલી અરુણ કોલોનીમાં રહેતા ભરતભાઈ ડાભી ચુનારા શેરીમાં ‘મહાવીર ટ્રેડર્સ’ નામે તેલનો વેપાર કરતા હતા. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વ્યવસાય કરતા હતા.
તેમના રોજિંદા સમય મુજબ દુકાન રાત્રે 10 વાગ્યે બંધ થઈ જતી હતી. જોકે, ઘટનાની રાત્રે 11:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી જોવા મળતાં આસપાસના લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતાં ભરતભાઈ દુકાનમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા.
મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સોએ દુકાનમાં ઘૂસીને ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં ગોંડલ એ-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરીને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ કબજે કર્યા છે.
બાઈક ગાયબ, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની આશંકા
હત્યાની ઘટના બાદ ભરતભાઈનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ સ્થળ પરથી ગાયબ હોવાનું સામે આવ્યું છે. આથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
જોકે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વેપારીએ પહેરેલા સોનાના દાગીના સલામત છે. તેથી હત્યા લૂંટના ઇરાદે જ થઈ હોવાનું હાલ ચોક્કસ કહી શકાય નહીં. દુકાનમાંથી રોકડ રકમ ગુમ થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
CCTV ફૂટેજ અને FSLની મદદથી તપાસ
પોલીસે દુકાનની બહાર અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. દુકાનની અંદર CCTV કેમેરા ન હોવાથી બહારના કેમેરા તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. FSL અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા રાજકોટ જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી છે.
વેપારીની હત્યાથી પરિવારમાં શોક, વેપારી આલમમાં રોષ
ભરતભાઈ ડાભી લાંબા સમયથી ગોંડલમાં વેપાર કરતા જાણીતા વેપારી હતા. તેમને સંતાનમાં 16 વર્ષનો એક પુત્ર છે. પિતાની હત્યાની ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બીજી તરફ, શહેરના વેપારી વર્ગમાં પણ આ ઘટનાને પગલે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીઓ કોણ છે તે બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે.









