ગ્રામજનોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં લવાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવનાર છે

્ોદહેગામ, મંગળવાર : દહેગામ તાલુકાના ચાર ગામના ગ્રામજનોએ મેશ્વો નદીમાં ગેરકાયદેસર રીતે રેતીચોરીની પ્રવૃતિ બેફામ બની છે સરકાર દ્વારા નાગજીના મુવાડામાં ફાળવેલી લીઝનો પણ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. આજે જીવરાજના મુવાડા નાગજીના મુવાડા મોટાના મુવાડા તેમજ વેજાણા ગામના લોકો ભેગા થઈ મેશ્વો નદીમાં ગેરકાયદેસર થઈ રહેલી રેતીખનન બંધ કરાવી તેમજ લીઝ પણ રદ કરી રેવન્યુ વિલેજનો દરજજો આપી ગ્રામ પંચાયતમાં સ્થાયી તલાટી કમ મંત્રીની નિમણૂક આપવા સહિતની માંગ સાથે દહેગામના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ ચારેય ગામના પ્રશ્ન અંગે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.
દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ખાતે નદીમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લીઝનો નાગજીના મુવાડા ઉપરાંત જીવરાજના મુવાડા અને તેના પરા વિસ્તાર મોટાના મુવાડા તેમજ વેજાણાના ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રેતી ખનન કરી રહેલા તત્વો બેફામ બની આડેધડ રેતી ખનન કરતા આ વિસ્તારની ખેતીની જમીનોમાં ધોવાણ થઈ રહ્યું છે જેની રજૂઆત ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગ તેમજ સરકારના સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આવા તત્વો સામે લગામ નહીં કસવામાં આવતા ગ્રામજનો આક્રમક બન્યા છે. બીજી તરફ આ ગામો ને વર્ષ 2002માં અલગ અલગ પંચાયતોનો દરજ્જો મળ્યો હોવા છતાં ગ્રામ પંચાયતોના સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો નથી ઉપરાંત આ ગામોને રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો મળે તેમ જ ગ્રામ પંચાયતમાં સ્થાયી તલાટી કમ મંત્રીની નિમણૂક થાય તેવી માંગ પણ પ્રબળ બની હતી તેમ છતાં આજદિન સુધી આ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુરુવારે ચારેય ગામના ગ્રામજનો ભેગા મળી દહેગામના મામલતદારને પોતાના પ્રશ્ન અંગે આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મેશ્વો નદીમાં ફાળવવામાં આવેલી લીઝ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેમજ આ ગામોને રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો આપવામાં આવે ઉપરાંત ગ્રામ પંચાયતમાં સ્થાયી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે જો તાત્કાલિક અસરથી સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો નાગજીના મુવાડા અને જીવરાજના મુવાડા તેમજ તેના પરા વિસ્તાર મોટાના મુવાડા તેમજ વેજાણાના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવનાર છે.











