માતા બીમાર હોવાનું જણાવી બાયડ ત્રણ રસ્તા સુધી મૂકી જવા લિફ્ટ માગી હતી : ભોગ બનનાર યુવકે દહેગામ પોલીસ મથકમાં અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે અરજીના કામે તપાસ હાથ ધરી

દહેગામ, મંગળવાર : દહેગામ શહેરમાં રહેતા એક યુવાન ગત તા. 4 ના રોજ રાત્રે ભાજીપાઉ લઈ જઈ રહ્યો હતો ત્યારે બે યુવાનોએ તેની માતા બીમાર હોવાનું કહી બાયડ ત્રણ રસ્તા પર મૂકી આવવાનો જણાવ્યું હતું જેથી યુવાને બંને સક્ષો પૈકી એક શખ્સને બાઈક ચલાવવા આપી બાયડ ત્રણ રસ્તા પહોંચ્યો હતો જ્યાંથી બંને શખ્સો તેનું બાઈક અને મોબાઈલ લઈ ફરાર થઈ જતા યુવાને દહેગામ પોલીસ મથકમાં અરજી આપી છે.
દહેગામ શહેરની ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતો યુવાન ગત તા.4 ના રોજ રાત્રિના નવેક વાગ્યે બાઈક લઈને બજારમાં ભાજીપાવ લેવા આવ્યો હતો અને તે લઈ પરત ફરી રહ્યો હતો ત્યારે જવાહર માર્કેટ નજીક પહોંચતા બે યુવકોએ તેને રોકી પોતાની માતાની તબિયત ખરાબ હોવાથી બાયડ ત્રણ રસ્તા પર મૂકી જવાનું કહ્યું હતું આથી યુવાને નજીકના પેટ્રોલ પંપ પર લઈ જઈ પેટ્રોલ પુરાવ્યું હતું તે સમયે બાઈકના માલિક યુવાનના મોબાઈલ પર કોલ આવતા તેણે બાઈક બે યુવાનો પૈકી એક યુવાનને ચલાવવા આપ્યું હતું. ત્યારબાદ ત્રણેય બાઈક લઈને બાયડ ત્રણ રસ્તા પહોંચતા બાઈક ચાલક યુવાને બાયડ ત્રણ રસ્તાથી 100 મીટર દૂર સુધી બાઈક લઈ ગયો હતો જ્યાં લિફ્ટ આપનાર યુવાને બાઈક ચાલકને કહ્યું કે બાઈક આગળ ક્યાં જવા દો છો ? ત્યારે બાઈક ચાલકે બાઈક પાછું વાળી ઊભું રાખી મદદ કરનાર યુવાનને બાઈક પરથી નીચે ઉતારી દીધો હતો આથી તેણે બાઈક પરત માગતા બંને ગઠિયાઓએ જેમ તેમ બોલવાનું શરૂ કરતાં યુવાને તેનો મોબાઇલ કાઢી પોલીસને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો જે પૈકીના અન્ય યુવાને તેનો મોબાઈલ પણ લઈ લીધો હતો ત્યારબાદ બંને ગઠીયાઓ બાઈક અને મોબાઈલ લઈને નાસી ગયા હતા. આ બનાવ બાદ યુવાને બંને યુવાનીની શોધખોળ કરતા મળી ન આવવાથી ભોગ બનનારે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં અરજી આપતા હાલ પોલીસે અરજીના કામે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.











