ટેકાનો ભાવ: 8,628 પ્રતિ ક્વિન્ટલ, ભારત સરકાર દ્વારા 2024-25 માટે જાહેર : આ ભાવ ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મેળવવામાં મદદરૂપ થશે

અમદાવાદ, શનિવાર : રાજ્યના ખેડૂતો માટે એક સારા સમાચાર છે, આજથી એટલે કે, 14 જૂન, 2025થી રાજ્યમાં ટેકાના ભાવે ઉનાળુ મગ ની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ ખરીદીથી રાજ્યના 23,400થી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે, જેમણે આ યોજના અંતર્ગત પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે 8,682 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મેળવવામાં મદદરૂપ થશે અને તેમને બજારની અસ્થિરતાથી બચાવશે.
ઉનાળુ મગનું વાવેતર અને ઉત્પાદન
ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55,610 હેક્ટર માં થયું છે. ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, રાજ્યમાં ઉનાળુ મગનું ઉત્પાદન 70,870 મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જ્યારે તેની ઉત્પાદકતા 127.27 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ઉનાળુ મગનું ઉત્પાદન સારું રહ્યું છે.
ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન
નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23,488 ખેડૂતો એ ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને, પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ 17713 મેટ્રિક ટન મગના જથ્થાની ખરીદી કરવામાં આવશે. ઉનાળુ મગની સરેરાશ ઉત્પાદકતાને ધ્યાનમાં રાખીને, પ્રતિ ખેડૂત મેક્સિમમ 1500 કિલોગ્રામ મગનો જથ્થો ખરીદવામાં આવશે. આ પહેલથી ખેડૂતોને તેમની મહેનતનો પૂરતો વળતર મળશે અને કૃષિ ક્ષેત્રે સ્થિરતા આવશે.











