નીટ પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શિક્ષણ સચિવ વિનીત જોશીને હટાવી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિમણૂક આપી છે.

નીટ (NEET) પરીક્ષામાં કથિત ગેરરીતિ અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો વહીવટી ફેરફાર કર્યો છે. શિક્ષણ મંત્રાલયમાં મોટા પાયે ફેરબદલ કરતા શિક્ષણ સચિવ વિનીત જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વિનીત જોશી ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સચિવ હતા અને તેમની અંદર જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતી હતી.
નવા અધિકારીઓની નિમણૂક:
-
ઉચ્ચ શિક્ષણ સચિવ: રાજસ્થાન કેડરના વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
-
શાળા શિક્ષણ સચિવ: કેરળ કેડરના વરિષ્ઠ IAS અધિકારી ટી.કે. અનિલ કુમારને શાળા શિક્ષણ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે.
-
વિનીત જોશીની નવી જવાબદારી: મણિપુર કેડરના ૧૯૯૨ બેચના IAS અધિકારી વિનીત જોશીને હવે પંચાયતી રાજ મંત્રાલયમાં સચિવ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે.
કોણ છે નરેશ પાલ ગંગવાર?
નવા સચિવ નરેશ પાલ ગંગવાર તેમની મજબૂત શૈક્ષણિક પૃષ્ઠભૂમિ માટે જાણીતા છે. તેઓ વ્યવસાયે એન્જિનિયર છે, જેમણે રૂરકી યુનિવર્સિટીમાંથી બી.ટેક, IIT દિલ્હીમાંથી એમ.ટેક અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેઓ કેન્દ્ર અને રાજસ્થાન સરકારમાં અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે, જેમાં પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકેની કામગીરીનો પણ સમાવેશ થાય છે.










