રાજા રઘુવંશી હત્યા કેસમાં નવો વળાંક, આરોપી વિશાલે ઈન્દોરમાં ભાડે લીધો હતો ફ્લેટ

રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા, અને તેઓ 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. : પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાંથી રાજા ગુમ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

 

ઈન્દોર, શનિવાર : ઈન્દોરના ચકચારી રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો અને મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. પ્રોપર્ટી મેનેજમેન્ટ ફર્મના માલિક શિલોમ જેમ્સે જણાવ્યું હતું કે, રાજા રઘુવંશીની હત્યાના આશરે 1 અઠવાડિયા પછી મુખ્ય આરોપીઓ પૈકી એક વિશાલ ચૌહાણે તેમની પાસેથી ઈન્દોરમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. આ ખુલાસો કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.

શું છે સમગ્ર મામલો ?
શિલોમ જેમ્સના જણાવ્યા અનુસાર 30 મેના રોજ વિશાલ ચૌહાણ તેમને મળ્યો હતો અને દેવાસ નાકા વિસ્તારમાં રુપિયા 17,000 પ્રતિ માસના ભાડે એક ફ્લેટ લીધો હતો. વિશાલે ડીલ ફાઇનલ કરી હતી અને રુપિયા 34,000 એડવાન્સ પેમેન્ટ તરીકે આપ્યા હતા. તેણે ભાડા કરાર પર સહી પણ કરી હતી, અને ત્યારબાદ જેમ્સે તેને ફ્લેટની ચાવીઓ સોંપી દીધી હતી. જો કે જેમ્સને ખાતરી નથી કે વિશાલ કે તેના કોઈ સાથીએ ખરેખખર તે ફ્લેટનો ઉપયોગ કર્યો હતો. હાલમાં ફ્લેટ બંધ છે અને તેની ચાવીઓ વિશાલ પાસે છે. નોંધનીય છે કે, જે બિલ્ડિંગમાં આ ફ્લેટ આવેલો છે તે નવી છે અને તેમાં હજુ સુધી CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. શિલોમ જેમ્સે આ અંગે પોલીસને જાણ કરી છે.

જાણો કેસની પહેલાની વિગતો
રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા, અને તેઓ 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. 23 મેના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાંથી રાજા ગુમ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં જ પોલીસનું ધ્યાન રાજાની પત્ની સોનમ પર કેન્દ્રિત થયું હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સોનમની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં સોનમ ઉપરાંત તેના પ્રેમી રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આનંદ કુર્મી અને આકાશ રાજપૂતની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં, આ પાંચેય આરોપીઓ મેઘાલય પોલીસની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન, સોનમે રાજા રઘુવંશીની હત્યામાં તેની સંડોવણી સ્વીકારી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, પતિની હત્યા બાદ સોનમ પણ ઈન્દોર આવી હતી અને માનવામાં આવે છે કે તેણે આ જ ફ્લેટમાં આશ્રય લીધો હતો, જે વિશાલે ભાડે લીધો હતો.

વિશાલ દ્વારા ઈન્દોરમાં ફ્લેટ ભાડે લેવાની આ ઘટના કેસમાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ફ્લેટનો ઉપયોગ હત્યાના ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યો હતો અથવા તો હત્યા પછી આરોપીઓએ અહીં આશ્રય લીધો હતો. CCTV ન હોવા છતાં, પોલીસ અન્ય પુરાવાઓ અને આરોપીઓની પૂછપરછ દ્વારા સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ખુલાસાથી કેસ વધુ જટિલ બન્યો છે અને પોલીસ માટે નવા પડકારો ઉભા થયા છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!