એર ઇન્ડિયાની AI 2537 નંબરની આ ફ્લાઈટ દિલ્હીથી રાજકોટ આવી રહી હતી : એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે, પાયલોટને વિમાનનું અલાઈનમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો

રાજકોટ, શનિવાર : અમદાવાદમાં તાજેતરમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશની દુર્ઘટના બાદ, શુક્રવારે રાજકોટમાં પણ એર ઇન્ડિયાની એક ફ્લાઈટના લેન્ડિંગ દરમિયાન મુશ્કેલી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દિલ્હીથી આવેલી આ ફ્લાઈટને લેન્ડિંગ પહેલા હવામાં બે ચક્કર લગાવવાની ફરજ પડી હતી, જેના પગલે પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદ્દનસીબે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિમાનને લેન્ડિંગમાં કેમ મુશ્કેલી પડી ?
મળતી માહિતી પ્રમાણે એર ઇન્ડિયાની AI 2537 નંબરની આ ફ્લાઈટ દિલ્હીથી રાજકોટ આવી રહી હતી. સામાન્ય રીતે સાંજે 5:50 વાગ્યે ટેક-ઓફ થનારી આ ફ્લાઈટ ગઈકાલે 6:29 વાગ્યે ઉપડી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે, પાયલોટને વિમાનનું અલાઈનમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો. આ કારણે વિમાનને લેન્ડિંગ પહેલા હવામાં બે ચક્કર લગાવવા પડ્યા હતા. અમદાવાદની દુર્ઘટનાના તાજા ભય વચ્ચે આવી સ્થિતિ સર્જાતા, વિમાનમાં સવાર લગભગ 100 મુસાફરોમાં સ્વાભાવિક રીતે જ ભયનો માહોલ છવાયો હતો.
એર ઇન્ડિયા એ આપ્યો ખુલાસો
આ ઘટના અંગે એર ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ફક્ત ‘અલાઈનમેન્ટ સેટ કરવાની નોર્મલ પ્રોસેસ’ હતી અને મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ પડી નહોતી. જોકે મુસાફરોના મનમાં અમદાવાદની ઘટનાનો ભય હોવાથી આ નાની ઘટના પણ ચિંતાનો વિષય બની હતી.
સુરક્ષા પર સવાલ
તાજેતરમાં એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીઓના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં થયેલું વિમાન ક્રેશ અને રાજકોટમાં લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી આ મુશ્કેલી, એરલાઇન્સ દ્વારા મુસાફરોની સુરક્ષાના પાલન પર ગંભીર સવાલો ઉભા કરે છે. DGCA દ્વારા આ બાબતે સત્વરે તપાસ હાથ ધરીને જરૂરી પગલાં લેવામાં આવે તે આવશ્યક છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય અને મુસાફરોનો એર ઇન્ડિયા પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે.











