ગ્રાહકોએ હવે પોતાના બેંકના વ્યાજ દરોની માહિતી લઈને જ તેમના રોકાણ અથવા બચતની યોજના બનાવવી પડશે

અમદાવાદ, બુધવાર
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જૂન 2025માં રેપો રેટમાં 0.50% (50 બેસિસ પોઈન્ટ)ના ઘટાડા બાદ દેશના અનેક મોટા બેંકોએ તેમના સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી બેંકના ગ્રાહકોને હવે પહેલા કરતા ઓછું વ્યાજ મળશે, ખાસ કરીને જે એકાઉન્ટહોલ્ડર્સના ખાતામાં મોટી રકમ જમા છે. ગ્રાહકોએ હવે પોતાના બેંકના વ્યાજ દરોની માહિતી લઈને જ તેમના રોકાણ અથવા બચતની યોજના બનાવવી પડશે.
SBIએ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડ્યા
દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), એ 15 જૂન 2025 થી તમામ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર સમાન રીતે 2.5% વાર્ષિક કરી દીધો છે. અગાઉ SBI નાના એકાઉન્ટ્સ (10 કરોડથી ઓછી રકમ) પર 2.7% અને મોટા એકાઉન્ટ્સ (10 કરોડ કે તેથી વધુ રકમ) પર 3%ના દરે વ્યાજ આપતી હતી. હવે દરેક ખાતા પર એક જ દર લાગુ પડશે.
HDFC Bank એ પણ દર ઘટાડ્યા
HDFC Bank એ 10 જૂન 2025થી તમામ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડીને 2.75% વાર્ષિક કર્યો છે. પહેલા 50 લાખથી ઓછી રકમ પર 2.75% અને 50 લાખ કે તેથી વધુ રકમ પર 3.25% વ્યાજ મળતું હતું. હવે તમામ એકાઉન્ટ્સ પર એક સમાન વ્યાજ મળશે.
ICICI Bankનું પણ આ જ પગલું
ICICI Bank એ પણ 12 જૂન 2025 થી તેની સેવિંગ્સ એકાઉન્ટની વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. પહેલા 50 લાખથી વધુ રકમ પર 3.25% અને 50 લાખથી ઓછી રકમ પર 2.75% વ્યાજ મળતું હતું. હવે દરેક રકમ પર એક સમાન 2.75% વાર્ષિકના દરે વ્યાજ આપવામાં આવશે.
અન્ય બેંકોના નવા વ્યાજ દર
* Bank of Baroda: બેંક ઓફ બરોડા હવે સેવિંગ્સ એકાઉન્ટ પર જમા રકમ અનુસાર 2.7% થી 4.25% સુધી વ્યાજ આપી રહી છે. આ દર 12 જૂન 2025 થી લાગુ છે.
* Federal Bank: ફેડરલ બેંક હવે સેવિંગ્સ એકાઉન્ટ પર 2.5% થી 6.25% સુધી વ્યાજ આપી રહી છે, જે ગ્રાહકની જમા રકમ પર નિર્ભર રહેશે. આ નવા દર 17 જૂન 2025 થી લાગુ થયા છે.
* IndusInd Bank: ઇન્ડસઇન્ડ બેંક હવે એકાઉન્ટ પર 3% થી 5% સુધી વ્યાજ આપી રહી છે, જે બેલેન્સ સ્લેબ અનુસાર નક્કી થશે. આ બદલાવ 16 જૂન 2025 થી લાગુ છે.
* RBL Bank: આરબીએલ બેંકે પણ 16 જૂન 2025 થી વ્યાજ દરો રિવાઇઝ કર્યા છે. હવે એકાઉન્ટ પર 3% થી 6.75% સુધી વ્યાજ મળશે, જે ગ્રાહકના ખાતામાં જમા રકમના આધારે નક્કી થશે.
શું અસર પડશે?
આ બેંકોના નિર્ણયોની અસર ખાસ કરીને તે ગ્રાહકો પર પડશે જેઓ તેમના સેવિંગ્સ એકાઉન્ટમાં મોટી રકમ રાખે છે. તેમને હવે પહેલા કરતા ઓછું વ્યાજ મળશે. આ બદલાવ રેપો રેટમાં થયેલા ઘટાડાને કારણે થયો છે, જેનો મુખ્ય હેતુ મોંઘવારી પર કાબુ મેળવવાનો અને અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવાનો છે.










