દુર્ઘટના બાદ વિમાનનું બ્લેક બોક્સ અને કોકપિટ વૉઇસ રેકોર્ડર મળી આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે બ્લેક બોક્સ ભારતમાં જ છે અને તેની તપાસ વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સત્તાવાર આંકડા પહેલીવાર જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કુલ 275 લોકોના મોત થયા છે.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા, જ્યારે વિમાન જે હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું, તે હોસ્ટેલમાં 34 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલું આ વિમાન ટેક-ઓફના માત્ર 30 સેકન્ડ બાદ જ ક્રેશ થઈ ગયું હતું.
DNA મેચિંગ બાદ મૃતદેહોની ઓળખ પ્રક્રિયા
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી DNA મેચિંગ પૂર્ણ ન થવાને કારણે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. હવે, 260 મૃતદેહોની ઓળખ DNA મેચિંગ દ્વારા કરવામાં આવી છે, જ્યારે છ મૃતદેહોની ઓળખ ચહેરા દ્વારા થઈ છે. મૃતકોમાં 120 પુરુષો, 124 મહિલાઓ અને 16 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 256 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે, જ્યારે બાકીના મૃતદેહોનું DNA આઇડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે.
એકમાત્ર નાગરિક જીવતો બચ્યો
નોંધનીય છે કે આ વિમાન બી.જે. મેડિકલ કોલેજ, મેઘાણી નગરના હોસ્ટેલ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચ્યો હતો, જે બ્રિટિશ નાગરિક હતો અને વિમાનમાં સીટ નંબર 11A પર બેઠો હતો.
બ્લેક બોક્સ ભારતમાં જ, તપાસ ચાલુ
એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનું બ્લેક બોક્સ અને કોકપિટ વોઈસ રેકોર્ડર દુર્ઘટનાના થોડા દિવસો બાદ કાટમાળમાંથી મળી આવ્યા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી કે બ્લેક બોક્સ ભારતમાં જ છે અને વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) તેની તપાસ કરી રહ્યું છે. તેમણે બ્લેક બોક્સને વિદેશ મોકલવા સંબંધિત અટકળોને નકારી કાઢી હતી. AAIB ઉપરાંત, અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ આ વિમાન દુર્ઘટનાની સમાંતર આંતરરાષ્ટ્રીય તપાસ કરી રહ્યું છે.











