ઈઝરાયલના હુમલા બાદ ઈરાનને મોટું નુકસાન, પરંતુ નિષ્ણાતો કહે છે કે પરમાણુ કાર્યક્રમ અટકશે નહીં.

નવી દિલ્હી, બુધવાર
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે બાર દિવસના સંઘર્ષ બાદ મંગળવારે સવારે યુદ્ધવિરામ પર સહમતિ બની હતી. જોકે, આ પછી પણ બંને દેશોએ એકબીજા પર મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરના હુમલાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
ઈઝરાયલના 12 દિવસના હુમલામાં ઈરાનને થયેલા નુકસાનનું આકલન કરવામાં આવે તો સૌથી મોટી ક્ષતિ તેના ઓછામાં ઓછા 14 પરમાણુ વૈજ્ઞાનિકોનું મૃત્યુ છે, જેમના સુપરવિઝન હેઠળ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ આગળ વધી રહ્યો હતો. અમેરિકાના એક દિવસીય હુમલામાં પણ ત્રણ પરમાણુ ઠેકાણા તબાહ થયા છે.
વૈજ્ઞાનિકોના મોત અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલાની અસર
નિષ્ણાતોનું કહેવું છે કે આ હુમલા ભલે ઈરાનને પાછળ ધકેલી શકે, પરંતુ તેને સંપૂર્ણપણે રોકી નહીં શકે. ફ્રાન્સમાં ઈઝરાયલના રાજદૂત જોશુઆ જર્કાએ ‘એસોસિએટેડ પ્રેસ’ને જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોના મોત અને ઈઝરાયલી તેમજ અમેરિકી હુમલાઓમાં બચેલા પરમાણુ સ્ટ્રક્ચર્સ અને સામગ્રીથી ઈરાન માટે પરમાણુ હથિયાર બનાવવું લગભગ અશક્ય બનશે.
તેમણે ઉમેર્યું કે આ સમગ્ર જૂથના ખાત્માના કારણે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ કેટલાક વર્ષો નહીં, પરંતુ ઘણા વર્ષો માટે ટળી ગયો છે. જોકે, પરમાણુ વિશ્લેષકોનું એમ પણ કહેવું છે કે ઈરાન પાસે અન્ય વૈજ્ઞાનિકો છે જે તેમનું સ્થાન લઈ શકે છે. યુરોપિયન દેશોની સરકારોનું કહેવું છે કે માત્ર સૈન્ય બળથી ઈરાનની પરમાણુ ટેક્નોલોજીમાં થયેલી પ્રગતિને ખતમ કરી શકાતી નથી. આ જ કારણ છે કે તેઓ ઈરાની કાર્યક્રમ વિશેની ચિંતાઓને દૂર કરવા માટે વાતચીત દ્વારા સમાધાન ઈચ્છે છે.
બ્રિટિશ વિદેશ મંત્રીનું નિવેદન
બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ ‘હાઉસ ઓફ કોમન્સ’માં સાંસદોને જણાવ્યું કે, “હુમલા ઈરાન દ્વારા દાયકાઓમાં મેળવેલી ટેક્નોલોજીકલ નોલેજને નષ્ટ કરી શકતા નથી, ન તો તે ટેક્નોલોજી નોલેજનો ઉપયોગ કરીને પરમાણુ હથિયાર બનાવવાની કોઈ સરકારની મહત્વાકાંક્ષાને નષ્ટ કરી શકાય છે.” મૃત્યુ પામેલા વૈજ્ઞાનિકોમાં રસાયણશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયરોનો સમાવેશ થાય છે.
નવી જનરેશન સક્ષમ બનશે
જર્કાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ઈઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 14 ભૌતિકશાસ્ત્રીઓ અને પરમાણુ એન્જિનિયરોનું મોત થયું છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા લોકો ઈરાનના ટોચના વૈજ્ઞાનિકો હતા અને તેમના પરમાણુ કાર્યક્રમ પાછળ તેમનું જ મગજ હતું. અમેરિકી નિષ્ણાત અને પૂર્વ રાજદ્વારી માર્ક ફિટ્ઝપેટ્રિકે કહ્યું કે પરમાણુ કાર્યક્રમની બ્લુપ્રિન્ટ આસપાસ ઉપલબ્ધ જ રહેશે અને પીએચ.ડી. કરનારાઓની નવી પેઢી તેનો ઉપયોગ કરવામાં સક્ષમ બની જશે.
પરમાણુ કાર્યક્રમ ફરીથી ઉભો કરી શકાશે
તેમણે કહ્યું કે પરમાણુ કેન્દ્રો પર બોમ્બમારો કરવો અથવા કેટલાક લોકોને મારવાથી આ પરમાણુ કાર્યક્રમને થોડા સમય માટે પાછળ ધકેલી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જો બંને કામ એક સાથે કરવામાં આવે તો તે વધુ પાછળ જશે, પરંતુ આ કાર્યક્રમને ફરીથી ઉભો કરી શકાશે.











