કટોકટીના 50 વર્ષ: PM મોદીએ ‘કાળા ઇતિહાસ’ની યાદો તાજી કરી, યુવાનોને કરી ખાસ અપીલ

તેમણે પોતાની યાત્રાનું વર્ણન કરતી પુસ્તક ‘ધ ઇમરજન્સી ડાયરીઝ’ વિશે પણ જણાવ્યું, જેની પ્રસ્તાવના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા એ લખી છે, જેઓ પોતે કટોકટી વિરોધી આંદોલનના એક દિગ્ગજ હતા.

નવી દિલ્હી, બુધવાર
ભારતના લોકતાંત્રિક ઇતિહાસના સૌથી કાળા અધ્યાયોમાંથી એક, દેશમાં લાદવામાં આવેલી કટોકટીના 50 વર્ષ આજે પૂરા થયા છે. આ ઐતિહાસિક દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયની પોતાની યાદો તાજી કરી અને યુવાનોને આ ‘શરમજનક સમય’ વિશે જાગૃત કરવા સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કરવાની અપીલ કરી છે.

PM મોદીએ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જણાવ્યું કે, “આજે ભારતના લોકતાંત્રિક ઇતિહાસ ના સૌથી કાળા અધ્યાયોમાંથી એક, કટોકટી લાગુ થયાના પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે. ભારતના લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવે છે.”

મોદીએ વધુમાં લખ્યું કે, “જ્યારે કટોકટી લાગુ કરવામાં આવી હતી, ત્યારે હું RSSનો યુવા પ્રચારક હતો. કટોકટી વિરોધી આંદોલન મારા માટે શીખવાનો એક અનુભવ હતો. તેણે આપણા લોકતાંત્રિક માળખાને બચાવી રાખવાના મહત્વને ફરીથી પુષ્ટિ આપી.”

તેમણે પોતાની યાત્રાનું વર્ણન કરતી પુસ્તક ‘ધ ઇમરજન્સી ડાયરીઝ’ વિશે પણ જણાવ્યું, જેની પ્રસ્તાવના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા એ લખી છે, જેઓ પોતે કટોકટી વિરોધી આંદોલનના એક દિગ્ગજ હતા.

સોશિયલ મીડિયા પર ખાસ અપીલ
વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે જેઓ કટોકટીના તે ‘કાળા દિવસો’ ને યાદ કરે છે અથવા જેમના પરિવારોએ તે દરમિયાન કષ્ટ સહન કર્યા છે, તેઓ પોતાના અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરે. તેમણે કહ્યું કે, “આનાથી યુવાનોમાં 1975થી 1977 સુધીના શરમજનક સમય વિશે જાગૃતિ પેદા થશે.” આ પહેલ યુવા પેઢીને ઇતિહાસમાંથી શીખવા અને લોકશાહીના મૂલ્યોને સમજવામાં મદદ કરશે.

‘કટોકટી વિરુદ્ધ લડનારા દરેક વ્યક્તિને સલામ’
પીએમ મોદીએ કટોકટી વિરુદ્ધ લડનારા દરેક વ્યક્તિને સલામ કર્યા. તેમણે કહ્યું કે, “આ સમગ્ર ભારતમાંથી, દરેક ક્ષેત્રમાંથી, અલગ-અલગ વિચારધારાઓથી આવેલા લોકો હતા જેમણે એક જ ઉદ્દેશ્યથી એકબીજા સાથે મળીને કામ કર્યું. ભારતના લોકતાંત્રિક માળખાની રક્ષા કરવી અને તે આદર્શોને જાળવી રાખવા જેના માટે આપણા સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના સામૂહિક સંઘર્ષે જ તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને નવી ચૂંટણીઓ યોજવા માટે મજબૂર કર્યા, જેમાં તેઓ ખરાબ રીતે હાર્યા.

ભાજપ દ્વારા ‘સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી
આજે કટોકટીની 50મી વરસીના અવસરે, ભારતીય જનતા પાર્ટી દેશભરમાં ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે આ દિવસની ઉજવણી કરી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કટોકટીની 50મી વરસી પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!