ગાંધીનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો, LCB-1એ એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યો

આરોપી રાહુલે કબૂલાત કરી હતી કે તેણે અને તેના મિત્ર સાથે મળીને 17 જૂનના રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે ઝુંડાલ કેનાલથી અડાલજ તરફના નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર એક વ્યક્તિના બાઇકને સુઝુકી એક્સેસ વડે ટક્કર મારી છરીની અણીએ લૂંટ ચલાવી હતી.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટમાં ગયેલા મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક , ગાંધીનગર જિલ્લા દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળા, એસ.જે. ચૌહાણ અને એન.બી. ચૌધરી ની LCB-1 ટીમ પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન, અ.હે.કો. સુનીલકુમાર મોહનભાઇ અને આ.પો.કો. મનિષસિંહ બિપીનસિંહ તેમજ આ.પો.કો. દિગ્વિજયસિંહ હરીસિંહને સંયુક્ત રીતે મળેલી બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે, અડાલજ બાલાપીર સર્કલથી ઝુંડાલ તરફ જતા રોડ પરથી આરોપી રાહુલ હસમુખભાઈ દંતાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી કાળા કલરનો OPPO F-21 Pro મોબાઇલ ફોન અને Vivo Y-16 મોબાઇલ ફોન મળી કુલ 15000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન, આરોપી રાહુલે કબૂલાત કરી હતી કે તેણે અને તેના મિત્ર દશરથ હરેશભાઇ દંતાણીએ બંને જણાએ ભેગા મળીને 17 જૂનના રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે ઝુંડાલ કેનાલથી અડાલજ તરફના નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર એક વ્યક્તિના બાઇકને સુઝુકી એક્સેસ વડે ટક્કર મારી હતી. ત્યારબાદ તે વ્યક્તિને માર મારી, ચાકુ બતાવી, તેનો મોબાઇલ ફોન અને સ્માર્ટ વોચની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

આરોપીને બી.એન.એસ.એસ. કલમ –34(1) (ઇ) મુજબ અટક કરવામાં આવ્યો છે અને મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ – 106 મુજબ કબજે કરી, વધુ તપાસ માટે અડાલજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જો કે હજુ આ કેસનો અન્ય એક આરોપી દશરથ હરેશભાઇ દંતાણી, હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!