ગુજરાતની આંગણવાડીઓમાં બાળકોનો ઉત્સાહભેર પ્રવેશ, છેલ્લા 3 વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ લીધું એડમિશન!

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ઉંબરે આંગણવાડી’ યુટ્યુબ ચેનલ દ્વારા બાળઆનંદ, સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓ અને વાલીઓ માટે પોઝિટિવ પેરેન્ટિંગના કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. આ બધી પહેલ ગુજરાતના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડી પ્રવેશોત્સવ ઝુંબેશને અભૂતપૂર્વ સફળતા મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ આંગણવાડીઓમાં એડમિશન મેળવ્યું છે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ 1.50 લાખથી વધુ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવશે.

આંગણવાડી પ્રવેશોત્સવ
રાજ્યના 3થી 6 વર્ષના બાળકોને યોગ્ય પૂર્વ-પ્રાથમિક શિક્ષણ મળી રહે તે હેતુથી દર વર્ષે આંગણવાડી પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પહેલથી બાળકોને નાનપણથી જ ગુણવત્તાયુક્ત શિક્ષણનો પાયો મળે છે. આ વર્ષે 53 હજારથી વધુ આંગણવાડીઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 77,570 કુમાર અને 73,379 કન્યાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની આંગણવાડીઓમાં બાળકોના નોમિનેશન પર્સેન્ટેજ સમગ્ર દેશ કરતાં વધુ છે. વર્ષ 2024 માં દેશમાં આંગણવાડીમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે નોમિનેશન 66.8% હતું, તેની સરખામણીમાં ગુજરાતની આંગણવાડીઓમાં ત્રણ વર્ષના બાળકોનું નોમિનેશન 87.6% નોંધાયું છે. આ આંકડા રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના અવિરત પ્રયાસો અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આંગણવાડીમાં સુવિધાઓ અને ડિજિટલ ઇનોવેશન
આંગણવાડીઓમાં 3થી 6 વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા અનૌપચારિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોના શારીરિક, ભાષાકીય, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ માટે વિવિધ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વાલીઓ માટે ડિજિટલ કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના અભ્યાસક્રમ મુજબની સાપ્તાહિક પ્રવૃત્તિઓ, દૈનિક પ્રવૃત્તિઓ, અને માસિક શીખવાની પ્રગતિ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આનાથી વાલીઓ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બની શકે છે.

સર્વાંગી વિકાસ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ
આંગણવાડીઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે “મારી વિકાસયાત્રા” બુકનો ઉપયોગ થાય છે. બાળ દિવસ, વિવિધ તહેવારો, રમતોત્સવ અને બાળ મેળાઓનું આયોજન કરી બાળકોને પ્રાયોગિક અનુભવો પૂરા પાડવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે બાળકના વિકાસ માટે શૈક્ષણિક કીટનો ઉપયોગ કરીને ચિટકકામ, માટીકામ, છાપકામ, ગડીકામ, રંગકામ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!