ગુજરાતના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મોટા ફેરફારો, સંપૂર્ણ ફી રાજ્ય સરકાર ચૂકવશે!

આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ તેમની શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી શકે અને રોજગારીની તકોનો મહત્તમ લાભ લઈ શકે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ફેરફાર કરીને શૈક્ષણિક વર્ષ 2025-26થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય પ્રોફેશનલ કોર્સિસમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની તમામ રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને આ અંગે સ્પષ્ટતા મળી શકે.

મુખ્ય ફેરફારો અને લાભો
ફીમાં સંપૂર્ણ રાહત: અત્યાર સુધી ખાનગી સંસ્થાઓમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય કોર્સિસ માટે ટ્યુશન ફીની વાર્ષિક મર્યાદા અનુક્રમે 6 લાખ, 2.50 લાખ અને 1 લાખ હતી. હવે, 2025-26થી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી ફી ઉપરાંતની ટ્યુશન ફી હશે તો તે રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે. આનાથી આદિજાતિના વિદ્યાર્થીઓ પરનું આર્થિક ભારણ સંપૂર્ણપણે દૂર થશે.

ખાનગી યુનિવર્સિટીઓને પણ લાગુ: NAAC એક્રેડિટેશન ન ધરાવતી ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શિષ્યવૃત્તિને પાત્ર રહેશે. આ નિર્ણય વિદ્યાર્થીઓને વધુ વિકલ્પો પૂરા પાડશે.

પ્રોફેશનલ કોર્સિસમાં મેરિટને પ્રાધાન્ય: 2025-26થી પ્રોફેશનલ કોર્સિસમાં સરકારી ક્વોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરિટ લિસ્ટમાં પ્રવેશ મેળવનાર મેરીટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે.

જૂના વિદ્યાર્થીઓને પણ લાભ ચાલુ: શૈક્ષણિક વર્ષ 2024-25 કે તે પૂર્વે શિષ્યવૃત્તિનો લાભ મેળવેલા વિદ્યાર્થીઓને તેમનો કોર્સ પૂરો થાય ત્યાં સુધી જે તે સમયની માર્ગદર્શિકા મુજબ લાભ મળતો રહેશે.

FRC અને Non-FRC સંસ્થાઓને આવરી લેવાઈ: એમ્પેનલ ન થયેલી FRC (ફી રેગ્યુલેશન કમિટી) અને Non-FRC અભ્યાસક્રમો કે સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ નિયત ધારાધોરણ અનુસાર શિષ્યવૃત્તિ ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જોકે, ૨૦૨૬-૨૭થી આવા કોર્સિસ-સંસ્થાઓ માટે નવેસરથી વિચારણા કરવામાં આવશે.

યોજનાનો ઉદ્દેશ્ય
આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ તેમની શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી શકે અને રોજગારીની તકોનો મહત્તમ લાભ લઈ શકે. હાલમાં, આ યોજના હેઠળ દર વર્ષે 2.50 લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓને આશરે 650 કરોડની સહાય ચૂકવવામાં આવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!