શુક્રવારે શરૂ થયેલી આ યાત્રામાં આ વર્ષે રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી હતી. દર વર્ષ કરતા દોઢ ગણા એટલે કે અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ઓડિશા, શનિવાર
ઓડિશાના પુરીમાં ચાલી રહેલી વાર્ષિક જગન્નાથ રથયાત્રાનો આજે બીજો દિવસ છે. ભક્તોના અપાર ઉત્સાહ અને લાખોની મેદની વચ્ચે આજે સવારે 10 વાગ્યે ફરીથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. બપોરના 11.20 વાગ્યા સુધીમાં ભગવાન બળભદ્રનો તાલધ્વજ રથ ગુંડિચા મંદિર પહોંચી ગયો હતો.
મુખ્ય મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલા ગુંડિચા મંદિરને ભગવાનના માસીના ઘર તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે અહીં નિવાસ કરે છે. ત્યારબાદ, 5 જુલાઈએ બહુડા યાત્રાના રૂપમાં તેઓ પોતાના મુખ્ય મંદિરે પરત ફરે છે.
પહેલા દિવસે રથ 750 મીટર પણ આગળ ન વધ્યા, ભીડને કારણે 625 શ્રદ્ધાળુઓ પ્રભાવિત
શુક્રવારે શરૂ થયેલી આ યાત્રામાં આ વર્ષે રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી હતી. દર વર્ષ કરતા દોઢ ગણા એટલે કે અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે રથ માર્ગ પર ભારે જામ થઈ ગયો હતો. ભીડ એટલી હતી કે ત્રણેય રથને આગળ વધારવામાં ઘણી મુશ્કેલી પડી હતી.
પ્રથમ દિવસે રથ 750 મીટર પણ આગળ વધી શક્યા ન હતા. મોડી સાંજે દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડનું દબાણ વધવાને કારણે 625 જેટલા શ્રદ્ધાળુઓની તબિયત બગડી હતી. ઘણા લોકો બેહોશ થઈ ગયા હતા જ્યારે કેટલાકને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી.
70 શ્રદ્ધાળુઓ હોસ્પિટલમાં દાખલ, 9ની હાલત ગંભીર
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 70 શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 9ની હાલત ગંભીર છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે, “ભગવાન બળભદ્રનો રથ એક વળાંક પર ફસાઈ જવાને કારણે વિલંબ થયો. આ કારણે દેવી સુભદ્રાના રથને મરીચકોટ ખાતે રોકવો પડ્યો હતો. સૂર્યાસ્ત થવાને કારણે રાત્રે 8 વાગ્યે ત્રણેય રથને રોકવાની જાહેરાત કરવામાં આવી હતી.”

ભગવાન જગન્નાથનો રથ મુખ્ય મંદિર પાસે જ રોકાયો હતો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગઈકાલે સૌથી આગળ બળભદ્રનો રથ હતો. દેવી સુભદ્રાનો રથ 750 મીટર જ આગળ વધ્યો હતો, જ્યારે ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ મુખ્ય મંદિરની બહાર જ ઊભો હતો અને તે માત્ર એક મીટર જ ખસી શક્યો હતો. મુખ્ય મંદિરથી સાંજે 4:08 વાગ્યે ભગવાન બળભદ્રના રથને ખેંચવાનું શરૂ કરાયું હતું. હવે બાકીના રથ પણ ધીમે ધીમે ગુંડિચા મંદિર તરફ આગળ વધી રહ્યા છે.











