ગામની 250 જેટલી વિધવા બહેનોને મળતી માસિક સહાય અને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. પરંતુ ગામમાં બેંક ન હોવાથી તેમને અન્ય ગામની બેંકોમાં જવું પડે છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની હદથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા પુન્દ્રાસણ ગામમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગામમાં સરકારી માધ્યમિક શાળા અને રાષ્ટ્રીયકૃત બેંક સ્થાપવાની પ્રબળ માગણી કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે આ સુવિધાઓના અભાવે બાળકોના શિક્ષણ અને ગામની આર્થિક પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પડી રહી છે.
શિક્ષણથી વંચિત રહેતા બાળકો
પુન્દ્રાસણ ગામમાં સરકારી પ્રાથમિક શાળા તો છે, પરંતુ માધ્યમિક શાળા ન હોવાથી ધોરણ-8 પાસ કરેલા લગભગ 80 જેટલા બાળકોને આગળના શિક્ષણ માટે પાંચેક કિલોમીટર દૂર આવેલા ટીંટોડા અને આદરજ મોટી ગામની શાળાઓમાં જવાની ફરજ પડે છે. આના કારણે બાળકોને દરરોજ લાંબું અંતર કાપવું પડે છે, જે તેમના શિક્ષણમાં અવરોધરૂપ બને છે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે ગ્રામજનો સાથે વાતચીત કરવા સ્ટેજ પરથી નીચે ઉતર્યા, ત્યારે ગામના પૂર્વ સરપંચ અને ડેરીના ચેરમેન બળદેવજી ઠાકોર, તેમજ અગ્રણીઓ ભલાજી ઠાકોર, કોદરજી ઠાકોર, ચુંડાજી ઠાકોર અને પ્રભાતજી ઠાકોર સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ આ સમસ્યા રજૂ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગામમાં જ માધ્યમિક શાળા ખૂલે તો વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી રહે. એટલું જ નહીં, ગ્રામજનોએ ખાતરી આપી કે જો માધ્યમિક શાળા ખોલવામાં આવે તો તેઓ ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખોલવાની જવાબદારી પણ ઉઠાવશે.
ગ્રામજનોની રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાળકોને શાળાએ પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બળદેવજી ઠાકોરે આ દાવાને રદિયો આપતા કહ્યું કે આવી કોઈ સુવિધા હાલ ઉપલબ્ધ નથી.
બેંકના અભાવે આર્થિક ગતિવિધિઓમાં મુશ્કેલી
શિક્ષણ ઉપરાંત, ગ્રામજનોએ બેંકની સુવિધાના અભાવે ગામને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ પણ મુખ્યમંત્રીના ધ્યાને લાવી હતી. ગામની સહકારી ડેરીનું માસિક ટર્નઓવર 10 થી 12 લાખ રૂપિયા હોવા છતાં, બેંક ન હોવાથી પશુપાલકોને માસિક પગાર ચૂકવવામાં અને નાણાકીય વ્યવહારો કરવામાં મુશ્કેલી પડે છે.
વધુમાં, ગામની 250 જેટલી વિધવા બહેનોને મળતી માસિક સહાય અને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. પરંતુ ગામમાં બેંક ન હોવાથી તેમને અન્ય ગામની બેંકોમાં જવું પડે છે. ઘણીવાર બેંકો દ્વારા વિદ્યાર્થી ખાતાની પાસબુક પણ આપવામાં આવતી નથી, જેના કારણે તેમને વધુ પરેશાની થાય છે. આથી, ગ્રામજનોએ ગામમાં એક રાષ્ટ્રીયકૃત બેંક ખોલવાની તાત્કાલિક માગણી કરી હતી. મુખ્યમંત્રીએ આ માગણીઓ પર તપાસ કરીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.











