આ ઘટના દર્શાવે છે કે આધુનિક યુદ્ધ વિમાનોનું મેઈન્ટેનન્સ કેટલું જટિલ અને ખર્ચાળ હોઈ શકે છે. હવે આ અત્યાધુનિક જેટને ટુકડાઓમાં યુકે પરત લઈ જવાની પ્રક્રિયા શરૂ થશે.

કેરળ, શુક્રવાર
કેરળના તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ 20 દિવસથી ફસાયેલું બ્રિટિશ રોયલ નેવીનું અત્યાધુનિક F-35B ફાઇટર જેટ આખરે રિપેર થઈ શક્યું નથી. અનેક પ્રયાસો અને બ્રિટનથી આવેલા એન્જિનિયર્સની ટીમના સમારકામ છતાં, આ જેટ હજુ પણ ઉડાન ભરવા માટે સક્ષમ નથી. હવે તેને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા ટુકડાઓમાં યુકે પરત લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

શું બન્યું હતું?
ગત 14 જૂનની રાત્રે બ્રિટિશ રોયલ નેવીના HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ રહેલા આ F-35B ફાઇટર જેટે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગ બાદ જેટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે તે ફરીથી ઉડાન ભરી શક્યું નહોતું. ત્યારથી આ જેટ એરપોર્ટ પર જ પાર્ક કરાયેલું છે.
F-35B જેટની ખાસિયતો
આશરે 918 કરોડ રૂપિયાની કિંમતનું આ F-35B જેટ વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટ્સમાંનું એક છે. બ્રિટિશ સેવામાં તેને “લાઈટનિંગ” તરીકે ઓળખવામાં આવે છે. આ F-35B મોડેલ ટૂંકા ટેક-ઓફ/વર્ટિકલ લેન્ડિંગ ક્ષમતા ધરાવે છે, જે તેને નાના બેઝ અને શિપમાંથી પણ ઓપરેટ કરવા માટે આદર્શ બનાવે છે. આ એકમાત્ર પાંચમી જનરેશનનું ફાઇટર જેટ છે જેમાં આ અનોખી ક્ષમતા છે.

લોકહીડ માર્ટિન કંપની દ્વારા વિકસાવવામાં આવેલું આ વિમાન 2006માં પ્રોડક્શનમાં આવ્યું હતું અને 2015થી યુએસ એરફોર્સમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેન્ટાગોનના ઇતિહાસમાં આ સૌથી મોંઘું વિમાન માનવામાં આવે છે, જેના પર અમેરિકા સરેરાશ $82.5 મિલિયન લગભગ 715 કરોડ ખર્ચ કરે છે.

ભારતીય નૌકાદળ સાથેની કવાયત
રિપોર્ટ્સ અનુસાર, આ સ્ટીલ્થ એરક્રાફ્ટ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઓપરેટ કરી રહ્યું હતું અને તાજેતરમાં તેણે ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત દરિયાઈ કવાયત પણ પૂર્ણ કરી હતી. ઇમરજન્સી લેન્ડિંગ બાદ જેટમાં રિફ્યુઅલિંગ માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા પછી જ કામગીરી શરૂ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.











