આ ઘટના અંગે હિરેનભાઈ દેવડીયાએ સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ધોળા દિવસની ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલા ભૂમિ પાર્ક સોસાયટીમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત હિરેનભાઈ દેવડીયા અને તેમના પત્ની હર્ષાબેન ગત ૨ જુલાઈના રોજ સવારે 7.30 વાગ્યે એક સામાજિક કામ અર્થે આણંદ ગયા હતા. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
બીજા દિવસે સવારે 6.30 વાગ્યે હિરેનભાઈના મકાન માલિક રાજેશભાઈએ તેમને ફોન કરીને જાણ કરી કે તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે. આ જાણ થતાં જ હિરેનભાઈ તરત જ ઘરે પરત ફર્યા હતા. ઘરમાં તપાસ કરતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. બેઠક ખંડ અને બેડરૂમનો સામાન વેરવિખેર પડ્યો હતો. બેડરૂમમાં રાખેલી બે લોખંડની તિજોરીઓ પણ ખુલ્લી જોવા મળી હતી. આ ઉપરાંત, માળિયા પરથી બે સૂટકેસ પણ ગાયબ હતી.
ચોરોએ ઘરમાંથી કુલ 1.26 લાખ રૂપિયાના સોનાના દાગીના ઉઠાવી લીધા હતા, જેમાં સોનાની ચેન, પેન્ડલ, બુટ્ટી અને હીરાજડિત વીંટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 16200 રૂપિયાના ચાંદીના દાગીના અને 50000 રૂપિયાની રોકડ રકમ પણ ચોરી થઈ હતી. કુલ મળીને તસ્કરો 1.92 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હતા.











