નિતેશ રાણેએ ભારપૂર્વક કહ્યું કે “આ સરકાર હિન્દુઓએ બનાવી છે, હિન્દુત્વ વિચારની સરકાર છે.” તેમણે ચેતવણી આપી કે, “જો કોઈ આવી હિંમત કરશે તો અમારી સરકાર પણ ત્રીજી આંખ ખોલશે અને કડક કાર્યવાહી કરશે.”

થાણે, શુક્રવાર
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભાષાને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા એક ફૂડ સ્ટોલના માલિકને મરાઠીમાં વાત ન કરવા બદલ કથિત રીતે માર મારવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રાજ્ય સરકારમાં BJP ક્વોટાના મંત્રી નિતેશ રાણેએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
મળતી માહિતી મુજબ, ભાઈંદર વિસ્તારમાં મંગળવારે બનેલી આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં કેટલાક હુમલાખોરો રાજ ઠાકરેની MNS ના ચિન્હવાળા પટ્ટા પહેરેલા જોવા મળે છે. પોલીસે જણાવ્યું કે, ભોજન ખરીદતી વખતે એક કાર્યકરે ફૂડ સ્ટોલના માલિકને મરાઠીમાં બોલવા કહ્યું, જેના પર તેણે વાંધો ઉઠાવ્યો. આનાથી નારાજ થઈને આરોપી કાર્યકર સ્ટોલ માલિક પર બૂમો પાડવા લાગ્યો. તેની સાથે અન્ય કેટલાક લોકો પણ હતા અને તેમણે સ્ટોલ માલિકને થપ્પડ પણ મારી.
“આ હિંમત અન્ય સ્થળોએ કેમ નથી બતાવતા?”
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા નિતેશ રાણેએ મીડિયાને જણાવ્યું કે, “આ લોકોએ ગરીબ હિન્દુઓને માર્યા છે.” તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, “જો તેમનામાં આટલી જ હિંમત હોય તો નળ બજાર, મોહમ્મદ અલી રોડ કે માલવણી જેવા વિસ્તારોમાં જઈને કહો કે મરાઠી બોલો. શું ત્યાં પણ આવી હિંમત બતાવી શકો છો?”
રાણેએ વધુમાં સવાલ ઉઠાવ્યો કે, “આમિર ખાન અને જાવેદ અખ્તર શું મરાઠીમાં બોલે છે? ત્યાં તો કોઈ કશું કહેતું નથી.” તેમણે ખાસ કરીને “દાઢીવાળા અને ગોળ ટોપીવાળા” લોકોનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે શું તેઓ શુદ્ધ મરાઠીમાં વાત કરે છે. તેમણે કહ્યું કે, “જાવેદ અખ્તર મરાઠીમાં વાત કરે છે શું? આમિર ખાન મરાઠીમાં વાત કરે છે શું? તે લોકોના મોઢેથી મરાઠી કઢાવવાની હિંમત નથી, અને આ ગરીબ હિન્દુઓને મારવાની હિંમત કેમ કરો છો?”
“અમારી સરકાર પણ ત્રીજી આંખ ખોલશે!”
નિતેશ રાણેએ ભારપૂર્વક કહ્યું કે “આ સરકાર હિન્દુઓએ બનાવી છે, હિન્દુત્વ વિચારની સરકાર છે.” તેમણે ચેતવણી આપી કે, “જો કોઈ આવી હિંમત કરશે તો અમારી સરકાર પણ ત્રીજી આંખ ખોલશે અને કડક કાર્યવાહી કરશે.” આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં ભાષાવાદનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય સરકાર આ મામલે શું પગલાં ભરે છે અને MNS કાર્યકરો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.











