આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારીતાના સિદ્ધાંતો અને તેના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે. સહકારી ક્ષેત્રના વિકાસથી સમાજમાં આર્થિક અને સામાજિક સમાનતા લાવવામાં મદદ મળે છે.

ગાંધીનગર, શનિવાર
જુલાઈ માસના પ્રથમ સપ્તાહને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેનો પ્રારંભ 5 જુલાઈ, 2025થી થયો છે. આ ઉજવણીના ભાગરૂપે, ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓની કચેરી દ્વારા 1 જુલાઈ, 2025 થી 6 જુલાઈ, 2025 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહ દરમિયાન, સહકારી ક્ષેત્રને વધુ મજબૂત અને જાગૃત બનાવવા માટે અનેક પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં મોડલ ઓડિટ એક્સરસાઇઝ અને લોન મેળા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે સહકારી મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે.
સહકારીતાના મહત્વને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સેમિનાર, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓમાં સહકારી મૂલ્યો પ્રત્યે જાગૃતિ આવશે.

ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ડિજિટલ કો-ઓપરેટિવ અવેરનેસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સહકારીતાને લગતી માહિતી અને ફાયદાઓ શેર કરીને વધુ લોકોને આ આંદોલન સાથે જોડવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, “સ્વચ્છતા સે સહકાર કેમ્પેન” અંતર્ગત ગામની સહકારી મંડળીઓ મારફત પ્રભાત ફેરી, સમુહ વૃક્ષારોપણ અને સ્વચ્છતા લક્ષી કામગીરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા સામાજિક જવાબદારી અને પર્યાવરણ સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.











