તુવેરની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિ: જાણો સમય, અંતર અને જાતોની સંપૂર્ણ માહિતી!

પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવીને તુવેરના પાકમાંથી મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. આ પદ્ધતિ જમીન અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક છે.
ગાંધીનગર, શનિવાર 
આધુનિક યુગમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને તુવેરના પાકમાં ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. આ પદ્ધતિમાં જમીનને જીવંત બનાવવાથી લઈને રોગ-જીવાત નિયંત્રણ સુધીની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
પ્રથમ વર્ષે જમીનને જીવંત બનાવો
જો તમે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં પ્રવેશી રહ્યા છો, તો પહેલા વર્ષે જમીનને જીવંત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે પાક લેતા પહેલા લીલા ખાતર તરીકે શણ, ઇકડ અથવા કઠોળનો પાક લેવો જોઈએ. આનાથી જમીનમાં સેન્દ્રીય કાર્બન વધે છે અને જમીનની ફળદ્રુપતા સુધરે છે.
તુવેરના વાવેતર માટે યોગ્ય સમય અને જાતો:
ખરીફ ઋતુ માટે: જૂન-જુલાઈ મહિનામાં વાવેતર કરવું શ્રેષ્ઠ છે.
જાતો: ગુજરાત તુવેર-1, ગુજરાત તુવેર-101, ગુજરાત તુવેર-103, BDN-2 અને GJP-1.
બીજનો દર: 12 થી 15 કિલો પ્રતિ હેક્ટર.
વાવેતર અંતર: બે હાર વચ્ચે 90 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે 25 થી 30 સેન્ટિમીટર.
રવિ ઋતુ માટે: સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં વાવેતર કરવું જોઈએ.
જાત: ગુજરાત તુવેર-102.
બીજનો દર: 12 થી 15 કિલો પ્રતિ હેક્ટર.
વાવેતર અંતર: બે હાર વચ્ચે 90 થી 120 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે 25 થી 30 સેન્ટિમીટર.
બીજ સંસ્કાર અને ઘન જીવામૃતનું મહત્વ
બીજ સંસ્કાર: સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ અને સારું ઉત્પાદન મેળવવા માટે તુવેરના બીજને બીજમૃતથી સંસ્કારિત કરવા. બીજમૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવીને વાવેતર કરવું. આનાથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે, તેમજ પાકને જમીનજન્ય રોગોથી બચાવી શકાય છે.
ઘન જીવામૃતનો ઉપયોગ: વાવેતર સમયે 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને 1 એકર જમીનમાં નાખવું.
જીવામૃતનો ઉપયોગ
જમીનમાં ઉપયોગ: વાવેતર બાદ 1 એકર જમીનમાં 200 લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યારબાદ મહિનામાં બે વાર 200 લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં અથવા પિયતના પાણી સાથે આપવું.
પાક ઉપર છંટકાવ 
પ્રથમ છંટકાવ: વાવેતરના 1 મહિના પછી 5 લિટર જીવામૃતને 100 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
બીજો છંટકાવ: પહેલા છંટકાવના 21 દિવસ પછી 7.5 લિટર જીવામૃતને 120 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
ત્રીજો છંટકાવ: બીજા છંટકાવના 21 દિવસ પછી 10 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
ચોથો છંટકાવ: ત્રીજા છંટકાવના 21 દિવસ પછી 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
પાંચમો છંટકાવ: ચોથા છંટકાવના 21 દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં 100 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
છઠ્ઠો છંટકાવ: પાંચમા છંટકાવના 21 દિવસ બાદ 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
રોગ-જીવાત નિયંત્રણ  
ચૂસિયા પ્રકારની જીવાત: 3 લિટર નિમાસ્ત્રને 100 લિટર પાણીમાં ભેળવી 1 એકરમાં છંટકાવ કરવો. 20 મિલી લીમડાનું તેલ પ્રતિ 10 લિટર પાણી સાથે મિશ્રિત કરીને પણ છંટકાવ કરી શકાય છે.
કૃમિ: 3 લિટર બ્રહ્માસ્ત્રને 100 લિટર પાણીમાં ભેળવી 1 એકરમાં છંટકાવ કરવો.
થડ વેધક, ફળ વેધક, કૃમિ: 3 લિટર અગ્નિઅસ્ત્રને 100 લિટર પાણીમાં ભેળવી 1 એકરમાં છંટકાવ કરવો.
ફૂગના રોગ: ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે 3 લિટર ખાટી છાશમાં 3થી 4 દિવસ જૂની 100 લિટર પાણી મેળવી છંટકાવ કરવો.
VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!