હાલની પરિસ્થિતિ જોતા લીલા શાકભાજીના ભાવમાં તાત્કાલિક ઘટાડો થાય તેવી કોઈ શક્યતા નથી. જો વરસાદ ચાલુ રહેશે, તો ભાવ હજુ પણ વધી શકે છે, જે સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય છે.

અમદાવાદ, સોમવાર
ચોમાસાની શરૂઆત સાથે જ ગાંધીનગર, અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં શાકભાજી સસ્તા થતા હોય છે, પરંતુ આ વર્ષે સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે સપ્લાય ચેઈન પર મોટી અસર પડી છે, જેના પરિણામે ભાવમાં અધધધ 100 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા મધ્યમવર્ગ માટે હવે લીલા શાકભાજી ખરીદવા પણ મુશ્કેલ બન્યા છે.
ગૃહિણીઓનું કહેવું છે કે છેલ્લા 10 દિવસમાં જ લીલા શાકભાજીના ભાવ બે ગણા થઈ ગયા છે. આ ભાવવધારાને કારણે કિચનનું બજેટ ખોરવાઈ ગયું છે અને થાળીમાંથી લીલા શાકભાજી ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને પણ શાકભાજીના ઊંચા ભાવને કારણે મેનુમાં ફેરફાર કરવા પડ્યા છે. ઘણા સ્થળોએ લીલા શાકભાજીને બદલે બટાકા અને કઠોળને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
ભાવવધારા પાછળના કારણો
હોલસેલ વેપારીઓ જણાવે છે કે ચોમાસામાં શાકભાજીનું વાવેતર તો સારું થયું છે, પરંતુ છેલ્લા 25 દિવસથી સતત વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. વધુ પડતા વરસાદથી છોડ પર ફૂલ બેસતા નથી અથવા તો ખરી પડે છે, જેના કારણે બજારમાં માલનો પુરવઠો ઘટી ગયો છે. સપ્લાય ઓછો હોવાને કારણે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.











