પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં સ્થળ પર જ થશે પોસ્ટમોર્ટમ, મોબાઈલ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ શરૂ!

વડોદરાની ગોત્રી હોસ્પિટલે રાજ્યની પ્રથમ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી શરૂ કરીને મેડિકલ ક્ષેત્રે એક ક્રાંતિકારી પહેલ કરી છે. આ અદ્યતન સુવિધા ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના, જેમ કે પ્લેન ક્રેશ અથવા અન્ય કોઈ આપત્તિ સર્જાય ત્યારે મૃતદેહોના વ્યવસ્થાપનમાં ગેમ-ચેન્જર સાબિત થશે.

વડોદરા, સોમવાર
વડોદરા સ્થિત ગોત્રી હોસ્પિટલે એક ખાસ મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ અને કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી ધરાવતું કન્ટેનર શરૂ કર્યું છે. આ ગુજરાતની એકમાત્ર અને સૌપ્રથમ આવી સુવિધા છે. આનાથી અમદાવાદ પ્લેન ક્રેશ જેવી વિકટ પરિસ્થિતિઓમાં, જ્યાં મૃતદેહોને હોસ્પિટલ સુધી લાવવાનું મુશ્કેલ હોય, ત્યાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી શકાશે અને મૃતદેહોને તાત્કાલિક કોલ્ડ સ્ટોરેજમાં પ્રિઝર્વ કરી શકાશે.

શું છે આ ખાસ મોબાઈલ યુનિટની વિશેષતા?
નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન્સ મુજબ, ડીકમ્પોઝ્ડ બોડીઝના પોસ્ટમોર્ટમ માટે અલગ રૂમ હોવો અનિવાર્ય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં આ મુવેબલ કન્ટેનર મૂકવામાં આવ્યું છે.

ઓન-સાઈટ પોસ્ટમોર્ટમ: આ કન્ટેનરમાં એકસાથે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

કોલ્ડ સ્ટોરેજ કેપેસિટી: તેમાં 4થી 5 મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી વ્યવસ્થા છે.

મુવેબિલિટી: આ કન્ટેનરની સૌથી મોટી ખાસિયત તેની મુવેબિલિટી છે. કોઈ મોટી દુર્ઘટના, પછી તે પ્લેન ક્રેશ હોય કે કોઈ દુર્ગમ જંગલ વિસ્તારમાં બનેલી ઘટના, આ કન્ટેનરને ઘટનાસ્થળે પહોંચાડીને ત્યાં જ પોસ્ટમોર્ટમ અને બોડી પ્રિઝર્વેશન શક્ય બનશે.

ડીકમ્પોઝ્ડ બોડીઝ માટે ખાસ વ્યવસ્થા: ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ યુનિટ ખાસ કરીને સડી ગયેલા મૃતદેહો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આનાથી સામાન્ય મૃતદેહોના સ્વજનો અને અન્ય લોકોને દુર્ગંધનો સામનો કરવો પડશે નહીં.

અજાણી બોડીઝનું વ્યવસ્થાપન: અજાણી બોડીઝને 3 દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના નિયમ મુજબ, આ કન્ટેનરમાં આવી બોડીઝને અલગથી પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા પણ છે.

ગુજરાત માટે ગેમ-ચેન્જર સુવિધા
હાલમાં, આખા ગુજરાતમાં આ પ્રકારનો મુવેબલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ રૂમ ક્યાંય ઉપલબ્ધ નથી, જે ગોત્રી હોસ્પિટલની આ સુવિધાને અનોખી બનાવે છે. વડોદરાની આ પહેલથી રાજ્યની ફોરેન્સિક મેડિસિન વિભાગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને મૃતદેહોના સન્માનપૂર્વક નિકાલ અને તપાસમાં ઘણી મદદ મળશે.

ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અનુપ ચંદાની એ જણાવ્યું કે, આ મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ મોટી દુર્ઘટનાઓમાં સ્થળ પર ઉપયોગી થશે. ખાસ કરીને ડીકમ્પોઝ્ડ ડેડબોડીઝ મૂકવા માટે પણ આ કન્ટેનરનો ઉપયોગ થઈ શકશે, જેનાથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય અને મૃતદેહનું સન્માનજનક પોસ્ટમોર્ટમ અને નિકાલ થઈ શકે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!