ક્રૂઝ ભારત મિશન’ના ભાગરૂપે ગુજરાતે પશ્ચિમ કિનારે ક્રૂઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુનો સમાવેશ થાય છે. આ રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરાયા છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાતે ક્રૂઝ ભારત મિશન’નું નેતૃત્વ સંભાળીને દેશમાં ક્રૂઝ ટુરિઝમના ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. 2340 કિલોમીટરના વિશાળ દરિયાકાંઠા અને સાબરમતી, નર્મદા જેવી નદીઓનો લાભ લઈ ગુજરાત વૈશ્વિક કક્ષાનો ક્રૂઝ ટુરિઝમ હબ બનાવવા માટે સજ્જ થઈ રહ્યું છે. આ દિશામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા રોજ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રૂઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવામાં આવી.
ક્રૂઝ ટુરિઝમ માટે ગુજરાતનો રોડમેપ
ગુજરાત, દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય, હવે ક્રૂઝ ટુરિઝમને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે. વર્કશોપમાં મેરીટાઇમ અને ટુરિઝમ નિષ્ણાતોએ નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ પર ચર્ચા કરી. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનના સલાહકાર રાજીવ જલોટાએ ક્રૂઝ ભારત મિશન’ના વ્યૂહાત્મક લક્ષ્યોની રૂપરેખા રજૂ કરી, જ્યારે મુંબઈ પોર્ટ ઑથોરિટીના અધ્યક્ષ સુશીલ કુમાર સિંઘે બંદરોની તૈયારી અને બર્થિંગ પોલિસી પર ભાર મૂક્યો.
ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડિરેક્ટર સાઇદિંગપુઈ છાકછુઆકે ક્રૂઝ-રેડી સ્થળો અને ઓનશોર ટુરિઝમ વિકાસની યોજના રજૂ કરી. FRRO, કોચીનના કૃષ્ણરાજ આર.એ ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી ઇમિગ્રેશન પ્રક્રિયાઓને સરળ બનાવવાની ભલામણ કરી. ગોવા ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલના CEO ગૌતમ ડેએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર ચર્ચા કરી.
ગુજરાતનું વિઝન, વૈશ્વિક ક્રૂઝ હબ
બંદરો અને પરિવહન વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ગુજરાતને વૈશ્વિક ક્રૂઝ હબ તરીકે સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, રાજ્યની મજબૂત નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમ વિકાસનો અભિગમ દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણ બનશે. વર્કશોપના પ્રશ્નોત્તરી સત્રમાં હિતધારકોએ નીતિ ઘડતર અને પડકારોના નિરાકરણ માટે મહત્વના સૂચનો આપ્યા.
કોસ્ટલ ટુરિઝમને નવું બળ
ક્રૂઝ ભારત મિશન’ના ભાગરૂપે ગુજરાતે પશ્ચિમ કિનારે ક્રૂઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુનો સમાવેશ થાય છે. આ રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરાયા છે:
પડાલા ટાપુ-કચ્છનું રણ: નૈસર્ગિક અને સાંસ્કૃતિક આકર્ષણ.
પોરબંદર-વેરાવળ-દીવ: ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો.
દ્વારકા-ઓખા-જામનગર: આધ્યાત્મિક અને પ્રકૃતિની સુંદરતા.
દરેક ક્લસ્ટર 100 કિલોમીટરની ત્રિજ્યામાં ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોને જોડે છે, જેથી પ્રવાસીઓને વૈવિધ્યસભર અનુભવ મળે.
સમર્પિત ક્રૂઝ ટર્મિનલનું નિર્માણ
30 સપ્ટેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્રૂઝ ભારત મિશન’ની શરૂઆત કરી, જેનો ઉદ્દેશ 2029 સુધીમાં દરિયાઈ ક્રૂઝ ટુરિઝમને દસ ગણું વધારવાનો છે. ગુજરાત આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવશે અને ભવિષ્યમાં સમર્પિત ક્રૂઝ ટર્મિનલનું નિર્માણ કરશે. આ ઉપરાંત, ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવા પણ કોસ્ટલ ટુરિઝમને વેગ આપશે.
શા માટે ગુજરાત?
2340 કિલોમીટરનો દરિયાકિનારો: દેશનો સૌથી લાંબો કોસ્ટલાઇન.
સાબરમતી-નર્મદા નદીઓ: રિવર ક્રૂઝની સંભાવના.
વૈવિધ્યસભર સ્થળો: ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક આકર્ષણો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: વૈશ્વિક કક્ષાના ટર્મિનલની યોજના.
ગુજરાતનો આ રોડમેપ ન માત્ર રાજ્યના ટુરિઝમને નવી દિશા આપશે, પરંતુ ભારતને વૈશ્વિક ક્રૂઝ ટુરિઝમના નકશા પર મજબૂત સ્થાન અપાવશે.











