સ્થાનિકોના મતે, જે વિસ્તારમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો છે તે ડભોડા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. અહીં ફક્ત એકાદ-બે હોમગાર્ડ જવાનોને મુકી દેવાયા છે, જ્યારે પોલીસ કર્મચારીઓની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે.

દહેગામ, બુધવાર
તાજેતરમાં મહી નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક લોકોના મોત થયાની ઘટના બની છે, ત્યારે અમદાવાદ નજીક દહેગામ-નરોડા હાઈવે પર પણ આવી જ ભયાવહ સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં. અહીં રાયપુર પાસે આવેલા નર્મદા કેનાલ પરના બ્રિજની પેરાફિટ અને ફૂટપાથ તૂટી પડ્યા બાદ તેને જોખમી જાહેર કરવામાં આવ્યો છે, અને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.

કલેક્ટરના આદેશની ‘ઐસી કી તૈસી’!
આશ્ચર્યજનક રીતે, કલેક્ટરના જાહેરનામા છતાં દહેગામ-નરોડા હાઈવે પરથી રેતી અને કપચી જેવા ભારે સામાન ભરેલા ટ્રકો અને અન્ય મોટા વાહનો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ જોતા લાગે છે કે જાણે કલેક્ટરના આદેશને પોલીસ અને વાહનચાલકો બંનેએ ઘોળીને પી ગયા હોય.

સ્થાનિકોના મતે, જે વિસ્તારમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો છે તે ડભોડા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. અહીં ફક્ત એકાદ-બે હોમગાર્ડ જવાનોને મુકી દેવાયા છે, જ્યારે પોલીસ કર્મચારીઓની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે. પરિણામે, ભારે વાહનચાલકો ડર્યા વગર જોખમી બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે.

પોલીસની નિષ્ફળતા અને અકસ્માતનો ભય
દહેગામ, નરોડા અને અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગ જાહેરનામાના અમલીકરણમાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કલેક્ટર મેહુલ દવે સાહેબે ચાર દિવસ પહેલા જ આ સ્થળની મુલાકાત લીધી હતી અને ડાયવર્ઝન તથા ભારે વાહનોના પ્રતિબંધ માટેના આદેશો આપ્યા હતા. પરંતુ હાલની સ્થિતિ જોતા લાગે છે કે તેમનું જાહેરનામું માત્ર “પસ્તીના કાગળ” સમાન બની ગયું છે.

દહેગામ તરફથી આવતા ભારે વાહનો માટે ડાયવર્ઝન માર્ગે નીકળવાના બદલે સીધા આ જોખમી બ્રિજ પરથી પસાર થવાને કારણે ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે. બીજી તરફ, નરોડા તરફથી આવતા ભારે વાહનો પણ બિન્દાસ આ ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જે ગંભીર પરિણામો નોતરી શકે છે.

સવાલ કલેક્ટરની જવાબદારી પર?
પોલીસની આ બેદરકારી અને જાહેરનામાના ઉલ્લંઘનને કારણે સ્થાનિક લોકો કલેક્ટરની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. શું કલેક્ટર સાહેબે પણ પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે જ આ જાહેરનામું બહાર પાડ્યું હતું? સવાલ એ થાય છે કે જ્યારે ઉચ્ચ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ આદેશો આપે છે, ત્યારે તેનું પાલન કેમ નથી થતું?
આશા રાખીએ કે તંત્ર આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરે અને દહેગામ-નરોડા હાઈવે પરના આ જોખમી બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે, જેથી ગંભીરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય.











