સાબરમતી નદીમાં ઉંડાઈ ઘટતા અને માટી-કાંપની સફાઈ ન થવાને કારણે છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ બંધ છે : મુખ્ય અધિકારીઓના બેધારી અભિગમના કારણે આ પ્રોજેક્ટનો અંત આવશે એવી સ્થિતિ સર્જાઈ છે

અમદાવાદ, બુધવાર : ગુજરાત સરકાર જ્યાં એક બાજુ ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપી રહી છે અને ગુજરાતને ક્રૂઝ હબ બનાવવાનો દાવો કરી રહી છે, ત્યાં અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી હાલતમાં પહોંચી ગયું છે. સાબરમતી નદીમાં ઉંડાઈ ઘટતા અને માટી-કાંપની સફાઈ ન થવાને કારણે છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ બંધ છે. મુખ્ય અધિકારીઓના બેધારી અભિગમના કારણે આ પ્રોજેક્ટનો અંત આવશે એવી સ્થિતિ સર્જાઈ છે. સફાઈ ન થવાના કારણે નદીમાં નવ ફૂટ સુધી માટી જામી ગઈ છે, જેના કારણે ક્રૂઝ ચલાવવું અશક્ય બન્યું છે. ક્રૂઝ સંચાલકોને અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ફક્ત ભાડું વસૂલવામાં જ વ્યસ્ત દેખાય છે. અંતે, રિવરફ્રન્ટ પર ટુરિઝમના મોટા વાયદાઓ વચ્ચે એક પછી એક પ્રોજેક્ટ ધૂળખાતાં નજરે પડે છે – પહેલાં સી-પ્લેન અને હવે ક્રૂઝ. હવે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો અમદાવાદીઓના ટુરિઝમ સપનાઓ માત્ર જાહેરાતોમાં જ જીવી જશે.અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ક્રુઝની સી-પ્લેન જેવી દશા થઈ છે. સાબરમતી નદીમાં મોટા ઉપાડે શરૂ કરાયેલું ક્રુઝ છેલ્લાં અઢી મહિનાથી બંધ અવસ્થામાં છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નિતીને પગલે આર્થિક રીતે નુકશાન થતાં ક્રુઝ પ્રોજેક્ટ પડતો મૂકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
શું બંધ થઈ જશે ક્રુઝ?
ગુજરાતના દરિયાકાંઠે ક્રુઝ ટુરિઝમ વિકસાવવાની ડીંગો હાંકવામા આવી રહી છે, ત્યારે અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ સમાન રિવરફ્રન્ટમાં શરૂ કરાયેલું ક્રુઝ હાલમાં મરણપથારીએ છે. તેનું કારણ એ છે કે, ઘણાં વખતથી સાબરમતી નદીમાં માટી-કાંપની સફાઈ કરવામાં આવી નથી જેના કારણે નદીની ઉંડાઈ ઘટી રહી છે. મુખ્યમંત્રી, પ્રવાસન વિભાગથી માંડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને રજૂઆત કરાઈ છે કે, અટલબ્રિજ અને મેટ્રો રેલ માટે નદીમાં સાડા ચાર હજાર ડમ્પર માટી નાંખવામાં આવી હતી પરિણામે નવ ફૂટ માટી-કાંપના સ્તર જામ્યાં છે. આ સ્થિતિ જેવીની તેવી જ રહી છે. કોન્ટ્રાક્ટરો માટીની સફાઈની કામગીરી કરવાનું ટાળ્યુ છે. નદીમાં માટી-કાંપના વધતા સ્તરને લીધે ક્રુઝ ચાલી શકે તેમ નથી.એવો આક્ષેપ કરાયો છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ક્રુઝના વાર્ષિક ભાડાપેટે 55 લાખ રૂપિયા મેળવવામાં જ રસ છે. ચોમાસામાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ નદીમાંથી પાણી છોડી દેવાય છે જેના કારણે ક્રુઝ બંધ રાખવુ પડે છે. મ્યુનિ. કોર્પોરેશનની બેધારી નીતિને કારણે અત્યાર સુધી ક્રુઝ સંચાલકોને કુલ મળીને સાડા ત્રણ કરોડનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો વરસાદને કારણે ટુરિસ્ટો આવતાં નથી તેવું બહાનુ ધરી રહ્યાં છે. આમ, મ્યુનિ. કોર્પોરેશન અને ક્રુઝ સંચાલકો આમને સામને આવ્યાં છે.
આમ, રિવરફ્રન્ટ પર ક્રુઝની પણ સી-પ્લેન જેવી દશા થઈ છે. જો આ પરિસ્થિતિ રહી તો, ક્રુઝના પણ ગમે તે ઘડીએ પાટીયા પડી જાય તેમ છે. અમદાવાદીઓને સપના દેખાડવામાં ભાજપ પાછીપાની કરે તેમ નથી. મોટા ઉપાડે શરૂ કરાયેલા સી-પ્લેનને તો સમારકામના નામે ખંભાતી તાળા મારી દેવાયાં છે. હવે કયારે શરૂ થશે તે નક્કી નથી. હવે દરિયાકાંઠે ક્રુઝ ટુરિઝમની સુફિયાણી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર અઢી મહિનાથી ક્રુઝ પડી રહ્યું છે. એક પછી એક પ્રોજેક્ટનું બાળમરણ થઈ રહ્યું છે ત્યારે રિવરફ્રન્ટ પરથી જ અમદાવાદથી માંડવી વચ્ચે એર ટેક્સી શરૂ કરવા સરકારે વિચારણા શરૂ કરી છે. અમદાવાદથી કચ્છ-માંડવી સુધી એર ટેક્સી શરૂ કરવા સરકારે એક કમિટીની પણ રચના કરી છે.











