કોર્ટના આદેશ મુજબ, તેઓ જિલ્લાની બહાર જ રહેશે, પાસપોર્ટ જમા કરાવશે અને દરેક કોર્ટ તારીખે હાજર રહેવું ફરજિયાત રહેશે : પોલીસ આ કેસમાં જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લાની બહાર રહેશે

દાહોદ, બુધવાર : દાહોદ જિલ્લાના 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત અને કિરણ ખાબડને સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. બંને ભાઈઓ દોઢ મહિના સુધી જેલમાં રહ્યા બાદ શરતોની સાથો-સાથ જામીન મળતાં સાંજે જ જેલ મુક્ત થયા છે. કોર્ટના આદેશ મુજબ, તેઓ જિલ્લાની બહાર જ રહેશે, પાસપોર્ટ જમા કરાવશે અને દરેક કોર્ટ તારીખે હાજર રહેવું ફરજિયાત રહેશે.મનરેગા હેઠળ મટિરિયલ સપ્લાય અને કામકાજના બિલોમાં મોટા પાયે છેતરપિંડી કરી રૂપિયા કરોડોના ફંડમાંથી ફાયદો લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાબડ ભાઈઓની કંપનીઓએ કાગળ પર કામ દર્શાવી ભુગતાન મેળવ્યું હોવાનું આક્ષેપ છે. હવે પોલીસ હાઈકોર્ટમાં જામીન રદ કરવાની માંગ સાથે દાદ માંગ્યા બાદ સુનાવણી પેન્ડિંગ છે. દરમિયાન ગાંધીનગરથી 10 ટીમો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુરમાં 3000થી વધુ કામોની સાઇટ તપાસ કરી રહી છે. અત્યાર સુધી 20 લોકોની ધરપકડ થઈ છે અને 31 એજન્સીઓ સામે તપાસ ચાલુ છે.
દાહોદ જિલ્લાના બહુ ચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં આખરે બંને મંત્રી-પુત્રોના શરતી જામીન મંજૂર થતા બંને ભાઈઓ સાંજે જેલ મુક્ત થયા છે. બીજી બાજુ ગાંધીનગરથી 10 જેટલી ટીમોના 3000 કામોની સ્થળ તપાસ માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ધામા નાંખ્યા છે. મનરેગા કૌભાંડમાં માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે ત્રણ જુદી-જુદી ફરિયાદો દાખલ થઈ હતી. રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડની કંપની શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ. પીપેરો અને કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સે કરોડો રૂપિયાના કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી બિલો પાસે કરાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. ત્રણ જુદી-જુદી ફરિયાદોમાં છેલ્લાં દોઢ મહિનાથી બંને ભાઈઓ જેલમાં હતા. તેઓએ જામીન અરજી માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા સેશન્સ કોર્ટે બંને ભાઈઓને શરતી જામીન આપ્યા હતા. પોલીસ આ કેસમાં જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લાની બહાર રહેશે.
શું મૂકી શરત?
બંનેના પાસપોર્ટ જમા લેવામાં આવશે. એટલું જ નહીં કોર્ટની તારીખો પર બંને ભાઈઓને ફરજિયાત હાજર રહેવું પડશે, તેવી શરતો જામીન માટે રાખવામાં આવી છે. 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં જામીન મળ્યા બાદ બંને મંત્રી પુત્રોના જામીન રદ કરવા માટે પોલીસે હાઇકોર્ટમાં દાદ માંગી હતી, જેની સુનાવણી હાલ પેન્ડિંગ છે. ત્રણેય ફરિયાદોમાં અત્યાર સુધીમાં 14 પ્રોપરાઇટર સહિત 20ની ધરપકડ થઈ છે અને 31 જેટલી એજન્સીઓ સામે તપાસ ચાલી રહી છે.











