આ શ્રાવણ માસમાં સોમનાથ દાદાના દર્શને જવાનું વિચારી રહ્યા હો, તો આ ST વોલ્વો બસ સેવા તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

અમદાવાદ, ગુરૂવાર
પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા ઈચ્છતા ભક્તો માટે ખુશખબર! ગુજરાત ST નિગમ દ્વારા અમદાવાદના રાણીપથી સોમનાથ માટે દૈનિક વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ ખાસ પેકેજમાં બે દિવસ અને એક રાત્રિનો પ્રવાસ સામેલ છે, જે શ્રદ્ધાળુઓને આરામદાયક અને સુવિધાજનક યાત્રાનો અનુભવ કરાવશે.
પ્રવાસ સમયપત્રક
આ ST વોલ્વો બસ સવારે 6 વાગ્યે રાણીપથી ઉપડશે અને લગભગ સાંજે 4 વાગ્યે સોમનાથ પહોંચશે. બીજા દિવસે, બસ સવારે 9:30 વાગ્યે સોમનાથથી પરત ફરશે અને રાત્રે 10:30 વાગ્યે રાણીપ, અમદાવાદ પરત પહોંચશે. આ માહિતી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં ધાર્મિક પર્યટનને વધુ પ્રોત્સાહન આપવાનો છે.
પેકેજ ભાડું અને સુવિધાઓ
આ પ્રવાસ પેકેજમાં પ્રતિ યાત્રી દીઠ આવવા-જવા માટે રૂપિયા 4,000 નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જો બે વ્યક્તિ સાથે પ્રવાસ કરે છે, તો તેમનું કુલ ભાડું રૂપિયા 7,050 રહેશે.
* જેમાં નાસ્તો, બે વખતનું ભોજન, હોટેલમાં એક રાત્રિનું રોકાણ, માર્ગદર્શન માટે ગાઈડની સુવિધા સામેલ રહેશે.
* આ ઉપરાંત પેકેજ અંતર્ગત સોમનાથ ખાતેના લાઈટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમમાં આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિરની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.
પ્રવાસન વિભાગનો પ્રયાસ
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. વિવિધ સ્રોતોમાંથી મળેલા સૂચનો અને ભલામણોના આધારે આ યોજના તૈયાર કરવામાં આવી છે, જે ભક્તોને સોમનાથ દાદાના દર્શનનો એક અનુકૂળ અને યાદગાર અનુભવ પ્રદાન કરશે. શ્રાવણમાં પહેલીવાર સોમનાથ ખાતે “વંદે સોમનાથ” નામે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જે આ યાત્રાને વધુ ખાસ બનાવશે.











