આ અંગે સેક્રેટરીએ પણ પશુપાલકોની વાતને સમર્થન આપતા જણાવ્યું કે, સતત વધી રહેલી મોંઘવારીના કારણે પશુપાલનનો વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે.

સાબરકાંઠા, ગુરૂવાર
સાબરકાંઠામાં સાબર ડેરીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટર દ્વારા પશુપાલકોને 990ના ભાવફેરની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પશુપાલકોમાં આ નિર્ણય પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. ડેરીના આ નિર્ણય સામે પશુપાલકોનો આક્રોશ એટલો છે કે સાબરડેરીના ડિરેક્ટર અને લાલપુર દૂધ ડેરીના ચેરમેન અશોક પટેલના પોતાના ગામમાં પણ દૂધ ડેરીમાં ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
પશુપાલકોની મુખ્ય માંગ 20%થી 25% સુધીના ભાવફેરની છે. તેઓ દલીલ કરે છે કે દિન-પ્રતિદિન વધતી મોંઘવારી અને પશુ આહારના ઊંચા ભાવને કારણે હાલનો ભાવફેર પૂરતો નથી.
મોંઘવારીનો માર અને પશુપાલકોની વ્યથા
આ અંગે સેક્રેટરીએ પણ પશુપાલકોની વાતને સમર્થન આપતા જણાવ્યું કે, સતત વધી રહેલી મોંઘવારીના કારણે પશુપાલનનો વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. સાબરદાણ, ખારદાણ, મકાઈ ભરડો સહિતના પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે પશુપાલકોના પ્રોડક્શન કોસ્ટમાં પણ વધારો થયો છે. આ સ્થિતિમાં, તેમને તેમના દૂધ માટે વધુ સારો ભાવફેર મળવો જરૂરી છે.
વાઈસ ચેરમેન અને ડિરેક્ટરની જાહેરાત બાદ પણ, સેક્રેટરી દ્વારા પશુપાલકોને દૂધ ડેરીમાં ભરાવવા માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, પશુપાલકો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે અને દૂધ ભરાવવાનો બહિષ્કાર ચાલુ રાખ્યો છે.
સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત્
સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર સતત ત્રીજા દિવસે પણ દૂધની રેલમછેલ જોવા મળી છે. હિંમતનગર-વિજાપુર ડેરોલ નજીક ટેન્કરના વાલ્વ ખોલી નાખવામાં આવ્યા હતા, જેના કારણે હજારો લિટર દૂધ રોડ પર વહેતું થયું હતું. આ દ્રશ્યો પશુપાલકોના ઉગ્ર વિરોધ અને તેમની હતાશાને સ્પષ્ટપણે દર્શાવે છે.
ગત વર્ષે સાબર ડેરી દ્વારા 16.75% ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે પશુપાલકો 20% થી 25% સુધીના ભાવફેરની અપેક્ષા રાખી રહ્યા છે, જે તેમની દ્રષ્ટિએ વાજબી છે. છેલ્લા 3 દિવસથી સાબરડેરીમાં દૂધ ન ભરાવીને પશુપાલકો તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી આ સ્ટ્રાઈક ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.











